
સેન્સેક્સમાં તેજીનો દોર યથાવત્, આ વર્ષના અંત સુધીમાં 61,000ની સપાટીને સ્પર્શે તેવી સંભાવના
- કોરોના મહામારી વચ્ચે પણ સેન્સેક્સમાં તેજી યથાવત્
- આ વર્ષના અંત સુધી સેન્સેક્સ 61 હજારની સપાટીને સ્પર્શે તેવું અનુમાન
- બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ આ અનુમાન કર્યું છે
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરમાં આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત થઇ હોવા છતાં શેરબજારમાં તેજીનો ઘોડો દોડી રહ્યો છે. નવા કેસોનો ગ્રાફ હવે ઘટી રહ્યો છે, જો કે મૃતકાંક વધી રહ્યો છે. જો કે આ બધા વચ્ચે પણ સકારાત્મક બાબત એ છે કે ડિસેમ્બર સુધીમાં સેન્સેક્સ ઐતિહાસિક 61 હજારની સપાટીને સ્પર્શે તેવું અનુમાન બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલી કરી રહી છે.
હાલમાં સેન્સેક્સની વાત કરીએ તો તે 50 હજારના સ્તરે ટ્રેડિંગ કરી રહ્યો છે. બ્રોકરેજ ફર્મ અનુસાર, વર્ષ 2021ના બીજા ત્રિમાસિક ગાળામાં શેરબજારમાં ફરી તેજીનો માહોલ જોવા મળશે. અર્થાત્ આગામી 6 મહિનામાં તેમાં લગભગ 20 ટકાનો વધારો થશે. આ વર્ષાન્ત સુધીમાં સેન્સેક્સ 55 હજારનો આંકડો પાર કરી જશે. જો અન્ય પરિબળો પણ સાથે જોવા મળશે તો તે 60 હજારને ક્રોસ કરી શકે છે.
માર્ચ-જૂન ક્વાર્ટરમાં કંપનીઓના પરિણામોમાં થોડો ઘટાડો થઇ શકે છે. જો કે, બજારો અને રોકાણકારો હવે દૂરદેંશી બતાવી રહ્યા છે. બજાર આ બાબત સારી રીતે સમજી ગયું છે કે ઘટાડો ક્ષણિક છે, જ્યારે તેજી જ તેનું ભાવિ છે.
બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોનામાં લાર્જ-કેપ્સને બદલે મિડ-કેપ શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.