
રાજકોટ જિલ્લામાં ખનીજચોરી સામે ઝૂંબેશ, 160 ટન રેતી અને 80 ટન કપચીનો જથ્થો સીઝ કરાયો
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ખનીજચોરીનું દૂષણ વધતું જાય છે. ખનિજ માફિયાઓ નદીમાંથી રેતી ટ્રેકટરો અને ટ્રકોભરને ઉઠાવી જતાં હોય છે. બોરાકટોક ખનીજચોરીને લીધે પર્યાવરણને પણ નુકશાન થઈ રહ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ છેલ્લા કેટલાંક દિવસોથી જિલ્લાના તમામ મામલતદારો ખનીજચોરી સામે સક્રિય બન્યા છે. ઉપરાંત દબાણકારો અને બાકી બેન્ક લોનના કિસ્સાઓમાં બાકીદારોની મિલ્કતોને જપ્ત કરવામાં આવી રહી છે. ગેરકાયદે દબાણના કિસ્સામાં બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત માધાપર અને ઘંટેશ્વરની સરકારી જમીનમાં ગેરકાયદે ધમધમતા રેતીના વેપલા ઉપર ઇન્ચાર્જ તાલુકા મામલતદાર જે.કે. કાકડીયા અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમ ત્રાટકી હતી. 160 ટન રેતી તથા 80 ટન કપચીનો જથ્થો સીઝ કરી દેવાયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના રેવન્યુ તંત્રને બાતમી મળી હતી કે, શહેરના ઘંટેશ્વર પાસે બની રહેલા કોર્ટ બિલ્ડિંગ નજીક ઇવીએમ વેર હાઉસની બાજુમાં આવેલા માધાપર સર્વે નં. 111 અને ઘંટેશ્વર સર્વે નં. 150ની સરકારી ખરાબાની જગ્યામાં અજાણ્યા વ્યકિતઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી-કપચીનો વેપાર કરવામાં આવી રહ્યો છે. આથી આ સ્થળે ઇન્ચાર્જ તાલુકા મામલતદાર અને ખાણ ખનીજની સંયુક્ત ટીમોએ દરોડો પાડ્યો હતો. 160 ટન રેતી તથા 80 ટન કપચીનો પડેલો જથ્થો સીઝ કરી અજાણ્યા શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી કલેક્ટરના આદેશ બાદ જિલ્લાભરના મામલતદારો સહિતની ટીમો દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેવામાં હવે ગેરકાયદેસર ધમધમતા રેતીનાં વેપાર પર દરોડો પાડવામાં આવતા ભેળસેળીયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. તેમજ સરકારી જમીનો પર દબાણ કરનારાઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં આ કાર્યવાહી વધુ ઝડપી બનાવવાનાં નિર્દેશો જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આપ્યા છે. (file photo)