ઓછી ઊંઘ તમને ગંભીર બીમારીઓ તરફ ધકેલી શકે છે, જાણો અનિદ્રાના કારણો અને બચવાના ઉપાયો
આજના ભાગદોડભર્યા જીવનમાં આપણે ભૌતિક સુખ-સુવિધાઓ પાછળ એટલા દોડી રહ્યા છીએ કે શરીરની પાયાની જરૂરિયાત એવી ‘ઊંઘ’ ને અવગણી રહ્યા છીએ. પૂરતી ઊંઘ ન મળવી એ માત્ર એક સામાન્ય થાક નથી, પરંતુ અનેક ગંભીર શારીરિક અને માનસિક રોગોનું પ્રવેશદ્વાર છે. નિષ્ણાતોના મતે, ઊંઘનો અભાવ ધીમે ધીમે શરીરને અંદરથી પોખલું કરી દે છે.
-
ઊંઘ ઉડી જવા પાછળના મુખ્ય જવાબદાર પરિબળો
આધુનિક જીવનશૈલીમાં ઊંઘ ન આવવા પાછળ અનેક કારણો જવાબદાર છે જેમ કે, મોડી રાત સુધી મોબાઈલનો વપરાશ અને સ્ક્રીન ટાઈમ, કામનું ભારણ, સતત ચિંતા અને ‘ઓવરથિંકિંગ’, સૂવા-જાગવાનો અનિશ્ચિત સમય અને શિફ્ટ ડ્યુટી અને મોડી રાત્રે ભારે ભોજન અને કેફીન (ચા-કોફી) નું વધુ પડતું સેવન.
-
અનિદ્રા: ગંભીર રોગોનું નિમંત્રણ
તબીબોના મતે, જે લોકો સતત ઊંઘની અછતનો સામનો કરે છે, તેમના શરીરમાં હોર્મોનલ અસંતુલન સર્જાય છે. લાંબા ગાળે હાઈ બીપી અને હાર્ટ એટેકનું જોખમ વધે છે. ઊંઘના અભાવે બ્લડ શુગર લેવલ પર નકારાત્મક અસર પડે છે. આવી જ રીતે ઊંઘ પૂરી ન થવાથી પાચનતંત્ર નબળું પડે છે અને વજન વધવા લાગે છે. તેમજ શરીર ચેપ સામે લડવાની ક્ષમતા ગુમાવી દે છે.
-
શરીરમાં દેખાતા આ લક્ષણોને ઓળખો
જો તમે પૂરતી ઊંઘ નથી લેતા, તો તમારું શરીર આ સંકેતો આપવાનું શરૂ કરશે. જેમ કે, દિવસ દરમિયાન સતત થાક અને ચીડિયાપણું રહેવું. કામમાં એકાગ્રતાનો અભાવ અને વારંવાર માથાનો દુખાવો થવો. યાદશક્તિ નબળી પડવી અને નિર્ણય લેવામાં મુશ્કેલી પડવી. તેમજ મૂડ સ્વિંગ્સ અને માનસિક અશાંતિનો અનુભવ.
-
શાંત અને ગાઢ ઊંઘ મેળવવા માટેના અચૂક ઉપાયો
તમારી જીવનશૈલીમાં નાના ફેરફારો કરીને તમે કુદરતી ઊંઘ પાછી મેળવી શકો છો. જેમ કે, રોજ સૂવાનો અને જાગવાનો એક ચોક્કસ સમય નક્કી કરો. સૂવાના એક કલાક પહેલા મોબાઈલ, લેપટોપ અને ટીવીથી દૂર રહો. બેડરૂમમાં શાંતિ અને અંધારું હોય તેવું આરામદાયક વાતાવરણ ઊભું કરો. માનસિક શાંતિ માટે નિયમિત મેડિટેશન અને હળવી કસરત કરો. રાત્રે સુપાચ્ય ખોરાક લો અને સૂતા પહેલા ઉત્તેજક પીણાં ટાળો.
યાદ રાખો, પૂરતી ઊંઘ એ કોઈ લક્ઝરી નથી પણ સ્વસ્થ જીવનની અનિવાર્યતા છે. જો આ સમસ્યા લાંબો સમય ચાલે, તો તબીબી સલાહ લેવામાં વિલંબ ન કરવો જોઈએ.


