
અમદાવાદઃ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત થતાં ગુજરાતમાં અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં લોકો દ્વારા જશ્ન મવાવવામાં આવ્યો હતો. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત શહેરોમાં મોડી રાત્રે ક્રિકેટરસિયાઓએ રોડ પર એકઠા થઈને આતશબાજી કરીને ભારત માતા કી જય સાથે વિજ્યોત્સવ મનાવ્યો હતો. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ભારતની જીતને બરદાવી હતી. શહેરના સિંધુભવન, પકવાન ચાર રસ્તા, થલતેજ, એસજી હાઈવે, ચાંદખેડા, રાયપુર દરવાજા, મણિનગર, નરોડા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા ભારતની જીતની ઉજવણી કરવામાં આવી હતી.
ટીમ ઇન્ડિયાની જીત બાદ યુવાનો દ્વારા અમદાવાદ શહેરમાં ભવ્ય આતશબાજી કરી ઉજવણી કરી હતી. રસ્તા ઉપર ભારતના તિરંગા સાથે કાર અને બાઈક સાથે રેલી યોજી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. આ દરમિયાન થલતેજ અંડરબ્રિજ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અમદાવાદીઓએ મોડી રાત સુધી T20 વર્લ્ડ કપમાં ભારતની જીતની ભવ્ય ઉજવણી કરી હતી.
આ ઉપરાંત સુરતમાં T20 વર્લ્ડ કપમાં ભારતની ભવ્ય જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. શહેરમાં મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ રસ્તા ઉપર ભેગા થયા હતા. આ સાથે આતશબાજી પણ કરવામાં આવી હતી અને ઇન્ડિયા ઇન્ડિયના નારા પણ લાગાવ્યા હતા. સુરત શહેર પોલીસ પણ સુરતીઓની ખુશીમાં સહભાગી થઇ હતી. આ સાથે પોલીસ સુરક્ષાનું પણ ધ્યાન રાખી રહી હતી. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ભાગળ ચાર રસ્તા પર ગોઠવી દેવામાં આવ્યો હતો. શહેરના ભટાર, વેસુ, પાલ સહિત અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ભારતની જીતની લોકોએ ભવ્ય ઉજવણી કરી હતી. સુરતીઓએ રસ્તા વચ્ચે નાચી કૂદીને ભવ્ય ઉજવણી કરી હતી. બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં ભારતની જીતને લઈને લોકોએ ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
વડોદરા શહેરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ભારતની જીત થતાં જ શહેરમાં મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉમટી પડ્યા હતા. ત્યારે હાર્દિકના પરફોર્મન્સથી વડોદરાવાસીઓનો ઉત્સાહ આસમાને પહોંચ્યો હતો. લોકો રોડ પર ફટાકડા ફોડીને જીતનો જશ્ન મનાવી રહ્યા હતા. મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓએ ઇન્ડિયા ઇન્ડિયના નારા લગાવ્યા હતા. તેમજ રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. હાથમાં તિરંગો લઈને ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવ્યા. લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ક્ષણ આવતા રાજકોટવાસીઓએ ભારતીય નાગરિક તરીકે જશ્નના માહોલમાં જોડાયા હતા.