
અમદાવાદ રેલવે સ્ટેશન પર ક્વીક વોટર સિસ્ટમથી ટ્રેનોમાં હવે 10 મીનિટમાં પાણી ભરાઈ જશે
અમદાવાદઃ ટ્રેનોના કોચમાં પાણી ભરવા માટે ટ્રેનોને રોકી દેવામાં આવતી હતી, લાંબા અંતરની ટ્રેનોમાં દરેક કોટના ટોયલેટમાં પાણી મળી રહે તે માટે ટ્રેનોને મુખ્ય સ્ટેશનો પર રોકીને પાણી ભરવામાં આવતું હોય છે. જેમાં દરેક કોટમાં પાણી ભરવા માટે સમય લાગતો હોવાથી ટ્રેનોને 30 મીનીટ સુધી રોકવામાં આવતી હતી. હવે અમદાવાદ સહિત તમામ રેલવે સ્ટેશનો પર ક્વીક વોટર સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેના લીધે માત્ર 10 મીનીટમાં તમામ કોચમાં પાણી ભરાઈ જશે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેનોને મોડી પડતી અટકાવી સમયસર દોડાવવા માટે તેમજ પેસેન્જરોને વધુ ને વધુ સુવિધાઓ મળી રહે તે માટે રેલવે દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત બદલાવ કરવામાં આવી રહ્યો છે. આ બદલાવના ભાગરૂપે કોચમાં પાણી ભરવા માટે અમદાવાદ સહિત તમામ મુખ્ય સ્ટેશનો પર ક્વિક વોટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. અત્યાર સુધી કોચમાં પાણી ભરવા માટે 30 મિનિટનો સમય લાગતો હતો પરંતુ હવે આ નવી સિસ્ટમની મદદથી તમામ કોચમાં ફક્ત 8થી 10 મિનિટમાં જ પાણી ભરી શકાશે. જેના કારણે ઘણીવાર લાંબા અંતરની ટ્રેનોમાં મુખ્ય સ્ટેશનો પર ઝડપથી પાણી ભરી દેવાતા કોચમાં પાણી નહીં હોવાની પેસેન્જરોની ફરિયાદથી મુક્તિ મળશે. તેની સાથે જ ટ્રેનોને સમયસર દોડાવી શકાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ સિસ્ટમના ભાગરૂપે અમદાવાદ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2-3 પાસે તેમજ પ્લેટફોર્મ નંબર 8-9 પાસે ક્વિક વોટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ બન્ને સિસ્ટમમાં 40-40 હોર્સપાવરના ત્રણ-ત્રણ પંપ લગાવવામાં આવ્યા છે. તેની સાથે જ આ સિસ્ટમ ઓટો અપડેટ હોવાની સાથે તેને રિમોટથી તેમજ મોબાઈલથી પણ ઓપરેટ કરી શકાય છે. રેલવે સ્ટેશન પર જો એક સાથે બે કે ત્રણ ટ્રેન આવી જાય તો આ ક્વિક વોટરિંગ સિસ્ટમમાં લાગેલા પંપ જાતે જ ઓપરેટ થઈ જાય છે અને કર્મચારીઓની મદદથી કોચમાં પાણી ઝડપથી ભરી શકાય છે. અમદાવાદ સ્ટેશને એરિયામાં રેલવે દ્વારા 11 જેટલા બોર બનાવવામાં આવ્યા છે પરંતુ તેમાંથી હાલ ફક્ત 4 જ બોર ચાલુ છે.