 
                                    કેન્દ્ર સરકારે દિલથી નહીં ડરથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાનો નિર્ણય કર્યોઃ પ્રિયંકા ગાંધી
દિલ્હીઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે અને જનતાને પેટ્રોલમાં રૂ. 5 અને ડીઝલમાં રૂ. 10ની રાહત આપી છે. કેન્દ્ર સરકાર બાદ ભાજપ શાસિત રાજ્ય સરકારો પણ પેટ્રોલ-ડીઝલ ઉપર વસુલવામાં આવતા વેરામાં ઘટાડો કરીને કિંમતમાં ઘટાડો કર્યો છે. દરમિયાન પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયેલા ઘટાડા મુદ્દે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આડેહાથ લીધી હતી. તેમજ આ દિલથી ડરના કારણે આ કિંમત ઘટાડો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસના અગ્રણી પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કરી હતી કે, આ દિલથી નહીં પરંતુ ડરના માર્યા લેવાયેલો નિર્ણય છે. વસૂલી સરકારની લૂંટને આગામી દિવસોમાં પ્રજા ચૂંટણીમાં જવાબ આપશે. પ્રિયંકા ગાંધી મોંઘવારી અને બેરોજગારી મુદ્દે અવાર-નવાર સરકાર ઉપર આકરા પ્રહાર કરે છે. હવે ઈંઘણ મુદ્દે સરકાર ઉપર પ્રહાર કર્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે દેશના વિવિધ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો સફાયો થયો છે. પરિણામ જાહેર થયા બાદ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકારોને પણ વેરામાં ઘટાડો કરવા તાકીદ કરી હતી. જેના પગલે કેટલાક રાજ્યો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની દિશામાં કવાયત શરૂ કરી છે. દરમિયાન કર્ણાટક, ગોવા અને ઉત્તરપ્રદેશ સહિતની વિવિધ સરકારે પણ ભાવમાં ઘટાડો થયો છે.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

