
અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે રવિપાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે. ખેડુતોને રવિપાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ – રવી સીઝન-2021-22માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે તુવેર ચણા રાયડાની ખરીદી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી. અમદાવાદ મારફતે કરાશે. લઘુતમ ટેકાના ભાવે તુવેરદાળની ખરીદી તા. 15-02-2022 અને ચણા તથા રાયડાની ખરીદી તા. 1-03-2022થી શરૂ કરાશે. ટેકાના ભાવે વેચાણ કરવા માગતા ખેડૂતો તા.1લી ફેબ્રુઆરીથી એક મહિના સુધી નોંધણી કરાવી શકશે.
ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા લઘુતમ ટેકાના ભાવ તુવેર ટેકાના ભાવ પ્રતિ ક્વિ. 6300 ટેકાના ભાવ 1260 (પ્રતિ 20 કિલો), ચણાના ટેકાના ભાવ પ્રતિ ક્વિ. 5230 ટેકાના ભાવ 1046 (પ્રતિ 20 કિલો), રાયડોના ટેકાના ભાવ પ્રતિ ક્વિ. 5050 ટેકાના ભાવ 1010 (પ્રતિ 20 કિલો), નોંધણીનો સમયગાળો તા.1-2-2022 થી તા.28-02-2022 રહેશે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ખાતે ખેડૂતોને નોંધણી માટે નીચે મુજબના જરૂરી પુરાવા રજુ કરવાના રહેશે. જેમાં (1) આધાર કાર્ડની નકલ, (2) મહેસુલ રેકર્ડ ગામ નમુનો 7/12 તથા 8-અની અધતન નકલ (3) ગામ નમુના- 12માં પાક વાવણી અંગેની નોંધ ન થઇ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો, (4) પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માંગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતાં પહેલા ખેડૂતે ખાસ કાળજી રાખવાની રહેશે.
ડોક્યુમેન્ટસની ચકાસણી દરમિયાન જો ભળતા ડોક્યુમેન્ટસ કે ખોટા ડોક્યુમેન્ટસ અપલોડ કરાયુ હોવાનું ધ્યાને આવશે તો તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે તે ખેડુતને જાણ કરવામાં આવશે નહી. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 079-26407607 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતોએ નોંધણી માટે કોઇપણ રકમ ચુકવવાની રહેતી નથી. નોંધણીની કામગીરી માટે થતો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે, જેની દરેક ખેડૂતોને જાણ થાય અને વધુમાં વધુ ખેડૂતો ટેકાના ભાવની ખરીદીનો લાભ લે તેમ એક યાદીમાં જણાવાયું છે.