
ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં વરસાદની શક્યતા
- આફ્રિકામાં કોરોનાના ઓમિક્રોનનું સંકટ
- પ્રથમ ટેસ્ટ દર્શકો વિના રમાશે
દિલ્હીઃ ભારતની ક્રિકેટ ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. કોરોનાને પગલે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રથમ ટેસ્ટ મેચ દર્શકો વિના રમાડવાનો નિર્ણય લેવાયો છે. જો કે, સેન્ચ્યુરિયનમાં રમાનારી આ ટેસ્ટમાં વરસાદ વિલન બને તેવી શકયતા છે.
હવામાનની આગાહી અનુસાર, આગામી કેટલાક દિવસ સુધી સેન્ચુરિયનમાં વાદળ છાયુ વાતાવરણ રહેશે. પહેલી ટેસ્ટ 26 ડિસેમ્બરથી શરુ થવાની છે ત્યારે ટેસ્ટ મેચના પહેલા ત્રણ દિવસ દરમિયાન આકાશ વાદળોથી છવાયેલુ રહેશે અને પહેલા બે દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. 26 ડિસેમ્બરે વરસાદની સંભાવના 80 ટકા જેટલી છે અને 27 ડિસેમ્બરે 85 ટકા શક્યતા છે. 28 ડિસેમ્બરે હવામાન ચોખ્ખુ રહેશે. જ્યારે 29 ડિસેમ્બરે વરસાદની 55 ટકા શક્યતા છે. પાંચમા દિવસે વરસાદની શક્યતા નહીંવત છે. વરસાદી માહોલમાં સેન્ચુરિયનની પીચ ભારતીય ટીમ માટે એક નવો પડકાર બનશે. વિકેટ પર ઘાસ છે અને તેના પર બેટિંગ કરવી મુશ્કેલ હશે. જોકે બોલરો માટે આ સારા સંકેત છે તેવુ ટીમ ઈન્ડિયાના પ્લેયર શ્રેયર ઐયરે કહ્યુ હતું.
(Photo-File)