
ભાવનગરના સિહોરમાં ચરસ-ગાંજાના વેચાણના રેકેટનો પર્દાફાશ, એકની ધરપકડ
અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબોરના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ભાવનગરના સિહોર પંથકમાંથી ચરસ અને ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ શખ્સ નશીલાદ્રવ્યો લાવીને વેચાણ કરતો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શિહોર પંથકના ઘાંઘળી ખાતે હિંમત ઉર્ફે ભડુ બાબુભાઈ ચુડાસમા ચરસ અને ગાંજો બહારથી લાવીને અહીં વેચાણ કરતો હતો. આ અંગેની બાતમીના આધારે ભાવનગર એલસીબીએ દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસમાં હિંમતભાઈ ચુડાસમાના ઘરમાંથી 3.684 કિલો ચસર અને 1.522 કિલો સુકા ગાંજાનો ભુક્કો મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે ચરસ અને ગાંજાનો જથ્થો જપ્ત કરીને આ અંગે ગુનો નોંધવાની કવાયત શરૂ કરી હતી.
નશીલાદ્રવ્યોની સાથે પોલીસે હિંમતભાઈ ચુડાસમાની પણ ધરપકડ કરી હતી. તેમજ તેની આગળી ઢબે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ચરસ અને ગાંજો ક્યાંથી લાવતો હતો અને કોને-કોને વેચતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
(PHOTO-FILE)