તિરૂપતિના પ્રસાદના લાડુ અંગે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનો ચિંતાજનક દાવોઃ જાણો શું કહ્યું?
તિરુપતિ, 6 ફેબ્રુઆરી, 2026 – Tirupati’s Prasad laddu તિરુપતિ બાલાજી યાત્રાધામના લાડુના પ્રસાદનો મામલો ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અગાઉની સરકારના સમયે પ્રસાદમાં થઈ રહેલી મિલાવટના સંદર્ભમાં આજે નવો દાવો કરીને સૌને ચોંકાવી દીધા છે.
ચંદ્રબાબુ નાયડુએ હવે નવો દાવો કર્યો છે કે જગન સરકાર દરમિયાન લાડુ બનાવવા માટે જે ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે બાથરૂમ સાફ કરવા માટે વપરાતા કેમિકલમાંથી બનાવવામાં આવ્યું હતું.
સીએમ નાયડુએ YSRCP પર આરોપ લગાવ્યો કે તેમણે પ્રસાદમાં ભેળસેળ કરીને શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની પવિત્રતા ભંગ કરી છે. પાંચ વર્ષ સુધી તેમણે કેમિકલવાળા ઘીથી ગોવિંદાનો પ્રસાદ બનાવ્યો. આ ઘી બાથરૂમ ક્લીનર માટે વપરાતા કેમિકલમાંથી બન્યું હતું. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ઘી અંગેનો આ દાવો કુરનૂલ જિલ્લાના યેમ્મિગનૂર ખાતે એક જનસભા દરમિયાન કર્યો હતો.
સીએમ નાયડુએ જણાવ્યું કે પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડી દાવો કરી રહ્યા છે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ તેમને ક્લીન ચીટ આપી દીધી છે, પરંતુ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ના અધ્યક્ષ રહી ચૂકેલા તેમના (રેડ્ડીના) કાકા વાય.વી. સુબ્બા રેડ્ડીએ પોતે પ્રસાદમાં ભેળસેળની વાત સ્વીકારી છે. જગન મોહને ભેળસેળિયા પ્રસાદથી TTD ને અપવિત્ર કર્યા બાદ સ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યો. પ્રસાદમાં પહેલા આપવામાં આવતા અને હવે આપવામાં આવતા લાડુમાં ઘણો મોટો તફાવત છે.
નોંધનીય છે કે આ સંદર્ભમાં ફેબ્રુઆરી 2025 માં ચાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ લોકોમાં ભોલે બાબા ડેરીના ભૂતપૂર્વ ડિરેક્ટર વિપિન જૈન અને પોમિલ જૈન, વૈષ્ણવી ડેરીના અપૂર્વ ચાવડા અને એઆર ડેરીના રાજુ રાજશેખરન સામેલ હતા. અગાઉ લાડુના ઘીમાં પ્રાણીઓની ચરબીના ઉપયોગના આરોપો લાગ્યા હતા, ત્યારબાદ SIT અને CBI આ મામલાની તપાસમાં જોડાઈ હતી.
ચંદ્રબાબુ નાયડુએ સપ્ટેમ્બરમાં આરોપ લગાવ્યો હતો કે જગન મોહન રેડ્ડીના નેતૃત્વવાળી અગાઉની સરકાર દરમિયાન તિરુપતિમાં પ્રસાદના લાડુ તૈયાર કરવા માટે પ્રાણીઓની ચરબીયુક્ત ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નાયડુના આ નિવેદનથી મોટો રાજકીય વિવાદ સર્જાયો હતો.


