
ભક્ત શ્રી અન્નામાચાર્યલુજીની જન્મજ્યંતિ: તેઓશ્રીએ તિરુપતિ બાલાજી ઉપર ખૂબ જ કીર્તન લખ્યા
ભક્ત શ્રી અન્નામાચાર્યલુજીની જન્મજ્યંતિની આજે આંધ્રપ્રદેશ સહિત સમગ્ર દેશમાં ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ભક્ત શ્રી અન્નામાચાર્યલુજીનો જન્મ 22મી મે 1408ના રોજ આંધ્રપ્રદેશના કડપ્પાના તિલ્લપકા (તલપક)માં થયો હતો. જેઓ નાની ઉંમરમાં સુપ્રસિધ્ધ યાત્રાધામ તિરુપતિ ગયા હતા અને વસ્યાં હતા. ભક્તિભાવથી કવિતા લખવાની અને તેને સ્વરબદ્ધ કરવાની વિલક્ષણ ક્ષમતા તેઓશ્રીમાં હતી. તેમણે ભગવાન વિષ્ણુજીના સ્વરુપ તિરુપતિ બાલાજી ઉપર ખુબ જ કીર્તન લખ્યાં છે. તેઓશ્રી ભગવાનને બાલાજી, શ્રીનિવાસજી, વ્યંકટેશ સ્વામી, વગેરે નામે પુકારે છે.
શ્રી અન્નામાચાર્યલુનું માનવું હતું કે, તે વ્યક્તિ ‘સુજાતિ’માં જન્મ લીધેલ માનવામાં આવશે કે જેને પોતાના જીવનમાં ભગવાન વિષ્ણુની ભક્તિને પ્રાધાન્ય આપ્યું હશે. તેઓશ્રીનો સંકલ્પ હતો કે, હરિભક્તિનો સંદેશ રાજા અને રંક, પંડિત અને પામર બધા સમાનરૂપથી સાંભળે અને લાભાન્વિત થાય. તે માટે તેમણે પોતાના સંકિર્તનોને પંચમવેદ કહ્યા.
તેઓશ્રી લખે છે,
ब्रह्म मोकटे परब्रह्म मोकटे
निंडारा राजु निद्रिंचु निद्रयु नोकटे
अंडने बंटु निद्र आदियु नोकटे
मेंडैना ब्राह्मणुडु मेट्टु भूमि योकटे
चंडालु डुंडेटी सरिभूमि योकटे।
અર્થાત્…
બ્રહ્મ એક છે તથા પરબ્રહ્મ પણ એક છે. જેમ ગાઢ નિદ્રામાં રાજા શયન કરે છે, તેવી જ રીતે એક સેવક પણ નિદ્રા લે છે. એક બ્રાહ્મણ મૃત્યુ પછી જે ભૂમિ(પંચતત્ત્વો)માં મળી જાય છે, તે જ ભૂમિમાં તો એક ચાંડાળ પણ મૃત્યુ બાદ મળી જાય છે. એટલે કે અંદરોઅંદર ભેદભાવ કેમ કરો છો❓