ઉનાળાની લૂમાં મેળવો ઠંડક: ઘરે જ બનાવો બજાર જેવો ટેસ્ટી અને હેલ્ધી ફ્રેશ ફ્રૂટ આઈસ્ક્રીમ
ઉનાળામાં ગરમી અને તડકાથી થાકેલા શરીરને જ્યારે એક બાઉલ ઠંડો અને ક્રીમી આઈસ્ક્રીમ મળે, ત્યારે તરત જ રાહત અનુભવાય છે. બજારના આઈસ્ક્રીમમાં વધુ પડતી ખાંડ અને કેમિકલ્સ હોવાની ભીતિ રહે છે, પરંતુ ઘરે તાજા ફળોમાંથી બનાવેલો આઈસ્ક્રીમ પોષણ અને ફ્રેશનેસનું અદભૂત મિશ્રણ પૂરું પાડે છે.
- મેંગો ફ્રેશ આઈસ્ક્રીમ
ફળોના રાજા કેરીનો આઈસ્ક્રીમ બાળકોથી લઈ મોટેરાં સૌની પસંદ હોય છે. તેને બનાવવા માટે સૌ પ્રથમ પાકેલી કેરીનો પલ્પ કાઢી તેને બ્લેન્ડ કરી લો. હવે તેમાં તાજી ક્રીમ, થોડું દૂધ અને સ્વાદ મુજબ મધ અથવા ખાંડ ઉમેરો. આ મિશ્રણને એરટાઈટ કન્ટેનરમાં ભરી 6 થી 8કલાક ફ્રીઝરમાં સેટ થવા દો. આઈસ્ક્રીમને વધુ ક્રીમી બનાવવા માટે ફ્રીઝિંગ દરમિયાન 1-2 વાર બહાર કાઢીને ફેંટી લેવો.
- સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ
નેચરલ પિંક કલર અને હળવી ખટાશ ધરાવતો આ આઈસ્ક્રીમ અત્યંત રિફ્રેશિંગ હોય છે. આઈસક્રીમ બનાવવા માટે તાજી સ્ટ્રોબેરીને ધોઈ, સમારીને ખાંડ સાથે બ્લેન્ડ કરી લો. હવે તેમાં ફ્રેશ ક્રીમ અને થોડું દહીં ઉમેરો, જેથી ટેક્સચર ક્રીમી અને સ્વાદમાં સહેજ ખટાશ આવશે. આ મિશ્રણને મિક્સ કરી કન્ટેનરમાં ભરીને ફ્રીઝ કરો. થોડા કલાકો પછી ફરી એકવાર ફેંટીને સેટ થવા દો.
- બનાના-ચોકલેટ આઈસ્ક્રીમ
કેળા અને ચોકલેટનું કોમ્બિનેશન એનર્જીથી ભરપૂર અને સ્વાદિષ્ટ હોય છે. આ આઈસક્રીમ બનાવવા માટે પાકેલા કેળાના ટુકડા કરી 2 થી 3 કલાક ફ્રીઝરમાં રાખો, ત્યારબાદ તેને બ્લેન્ડ કરો. તેમાં કોકો પાવડર, મધ અને થોડું દૂધ ઉમેરી સ્મૂધ પેસ્ટ બનાવો. આ મિશ્રણને 4 થી 5 કલાક ફ્રીઝરમાં સેટ કરો. આમાં કોઈ આર્ટિફિશિયલ ફ્લેવરની જરૂર પડતી નથી.


