1. Home
  2. ગુજરાતી
  3. દાઉદનો ખાસ વિશ્વાસુ અને ડ્રગ માફિયા સલીમ ડોલા તુર્કીમાં ઝડપાયો, ભારત લાવવા ચક્રો ગતિમાન કરાયાં
દાઉદનો ખાસ વિશ્વાસુ અને ડ્રગ માફિયા સલીમ ડોલા તુર્કીમાં ઝડપાયો, ભારત લાવવા ચક્રો ગતિમાન કરાયાં

દાઉદનો ખાસ વિશ્વાસુ અને ડ્રગ માફિયા સલીમ ડોલા તુર્કીમાં ઝડપાયો, ભારત લાવવા ચક્રો ગતિમાન કરાયાં

0
Social Share

મુંબઈ, 25 એપ્રિલ 2026: આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના અત્યંત નજીકના સાથી ગણાતા કુખ્યાત ડ્રગ માફિયા સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ કરવામાં આવી છે. તુર્કીની ગુપ્તચર સંસ્થા એમઆઈટી અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઈસ્તંબુલમાંથી ડોલાને દબોચી લેવામાં આવ્યો છે. આ ધરપકડથી વૈશ્વિક ડ્રગ સિન્ડિકેટ અને ‘ડી કંપની’ના નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે. સલીમ ડોલા લાંબા સમયથી ઈન્ટરપોલની વોન્ટેડ લિસ્ટમાં હતો. તે યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)ના નકલી આઈડી કાર્ડ અને દસ્તાવેજોનો ઉપયોગ કરીને ધરપકડથી બચવા માટે અલગ-અલગ દેશોમાં છુપાતો હતો. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, તેની પાસે સાઉદી અરેબિયાનો પાસપોર્ટ પણ છે. તે મુંબઈથી દુબઈ અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું ડ્રગ સામ્રાજ્ય ચલાવતો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર, સલીમ ડોલાના પિતા વર્ષો સુધી મુંબઈમાં દાઉદ ઈબ્રાહિમ સાથે કામ કરી ચૂક્યા છે. પિતાના રસ્તે ચાલીને સલીમ પણ દુબઈ સ્થાયી થયો અને ‘ડી કંપની’ માટે ડ્રગ્સનું નેટવર્ક સંભાળવા લાગ્યો. ડોલા ગ્લોબલ સિન્થેટિક ડ્રગ્સ નેટવર્કનો મોટો ખેલાડી માનવામાં આવે છે. તે ભારત સહિત અનેક દેશોમાં ડ્રગ્સની સપ્લાયનું મોટું ચેનલ ઓપરેટ કરતો હતો. ભારતની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ સલીમ ડોલા પર એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે અને તેની સામે રેડ કોર્નર નોટિસ (આરસીએન) પણ જારી કરવામાં આવી છે. અગાઉ પણ તેના પરિવાર પર શિકંજો કસવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2025માં તેના ખાસ સાથી મોહમ્મદ સલીમ શેખને દુબઈથી ભારત લાવવામાં આવ્યો હતો. જે બાદ નવેમ્બર 2025માં સલીમના પુત્ર તાહિર ડોલા સહિત પરિવારના 4 સભ્યોને દુબઈથી ભારત લાવી ધરપકડ કરવામાં આવી હતી.

તુર્કી સાથે ભારતના પ્રત્યાર્પણ કરારની જટિલતાઓને જોતા, ભારતીય સુરક્ષા એજન્સીઓ હવે યુએઈ મારફતે તેને ભારત લાવવા માટે આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રયાસો કરી રહી છે. કારણ કે તેણે યુએઈના નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે, તેથી તે માર્ગે તેનું પ્રત્યાર્પણ સરળ બની શકે છે. સલીમ ડોલાની ધરપકડથી અંડરવર્લ્ડના અનેક કાળા ચહેરાઓ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટના મોટા ખુલાસા થવાની શક્યતા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code