
મધ્યાહન ભોજન યોજનામાં પોષણ ખોરાકના દાવા છતાં બે મહિનાથી બાળકોને કઠોળ અપાતું નથી
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ વિદ્યાર્થીઓને પોષણયુકત આહાર મળે તેટલા માટે શાળાઓમાં ભોજન આપવામાં આવે છે. આ ભોજનમાં કઠોળ પણ આપવામાં આવે છે, પણ છેલ્લા બે મહિનાથી વિદ્યાર્થીઓને કઠોળ અપાતું નથી. મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને છેલ્લા બે મહિનાથી તુવેરદાળ કે ચણા પૂરા પાડવામાં આવ્યા ન હોવાથી ખાલી વઘારેલો ભાત બાળકોને આપવામાં આવે છે. આ બાબતે યોજનાના સંચાલકોએ અવારનવાર શિક્ષણ વિભાગ અને શિક્ષણ વિભાગ હેઠળની મધ્યાહ્ન ભોજન યોજનાના અધિકારીઓને રજૂઆત કરી પણ કોઇ પરિણામ મળ્યું નથી. પરિણામે પોષણયુક્ત આહાર આપવાનો દાવો જ પોકળ સાબિત થઇ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના બાળકોમાં કૂપોષણનું પ્રમાણ સવિશેષ છે. શાળાઓમાં ભણતા બાળકોને વર્ષોથી મધ્યાહન ભોજન આપવામાં આવે છે. જેમાં પોષણયુક્ત આહાર મળે તેનું ખાસ ધ્યાન આપવાની સુચના પણ છે. પરંતુ છેલ્લા બે મહિનાથી મધ્યાહન ભોજનમાં વિદ્યાર્થીઓને કઠોળ આપવામાં આવતું નથી. કઠોળ એક પોષણક્ષમ આહાર છે. કઠોળ સરકાર તરફથી ન અપાતા મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો વિદ્યાર્થીઓને વધારેલા ભાત આપી રહ્યા છે. મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલકોએ આ અંગે સરકારને રજુઆત પણ કરી છે. પણ કોઈ સાંભળતું નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાતા ભોજનનું અલગ અલગ મેનુ હોય છે. મધ્યાહ્ન ભોજન સંચાલક આ પ્રમાણે બાળકોને ભોજન આપતા હોય છે. આ ભોજન વ્યવસ્થામાં છેલ્લા બે મહિનાથી તુવેરની દાળ અને ચણા મધ્યાહ્ન ભોજનના સંચાલકોને પૂરા પાડવામાં આવ્યા નથી. ગુજરાત સરકાર બાળકોમાંથી કુપોષણને દૂર થયું હોવાનો દાવો કરે છે. પરંતુ તેમની આ સિસ્ટમ તેમના દાવાને છતો કરે છે.