
ચીને ફરીથી કોરોનાની માહિતી છુપાવી, WHOને નથી જણાવી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા
દિલ્હી:ચીનમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની ગયું છે.હોસ્પિટલો સંક્રમિત દર્દીઓથી ભરેલી છે અને દિવસેને દિવસે નવા કેસ વધી રહ્યા છે.એક આંકડા અનુસાર, હાલમાં ચીનમાં 54 લાખથી વધુ કોરોના દર્દીઓ છે.આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.માહિતી અનુસાર, જ્યારથી ચીને તેની ઝીરો કોવિડ પોલિસી પાછી ખેંચી છે, ત્યારથી હોસ્પિટલમાં દાખલ નવા દર્દીઓનો કોઈ ડેટા તેના દ્વારા મોકલવામાં આવ્યો નથી.
ચીનના આ પગલાએ ફરી એકવાર સ્વાસ્થ્ય નિષ્ણાતોની ચિંતા વધારી દીધી છે.નિષ્ણાતોને ડર છે કે,ચીન ફરીથી કોરોના સંક્રમણની માહિતી છુપાવી શકે છે.જોકે, WHOએ કહ્યું છે કે,ડેટા ન મોકલવાનું કારણ એ હોઈ શકે છે કે આ સમયે અધિકારીઓ કેસોની વધતી સંખ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છે.
WHOનો સાપ્તાહિક રિપોર્ટ 7 ડિસેમ્બર સુધી ચીનમાં કોરોના દર્દીઓની વધતી સંખ્યા દર્શાવે છે. 4 ડિસેમ્બર સુધીમાં, આ કેસ 28,859 હતા, જે છેલ્લા ત્રણ વર્ષમાં ચીનમાં સૌથી વધુ છે જોકે, 7 ડિસેમ્બરે ચીને ઝીરો કોવિડ પોલિસીથી પીછેહઠ કરી હતી.ત્યારપછી ચીન તરફથી WHOને કોઈ ડેટા મોકલવામાં આવ્યો નથી.ચીન પર હંમેશા કોરોના સંક્રમણને ઓછું દેખાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.નિષ્ણાતો કહે છે કે મૃત્યુની ઓળખના કિસ્સામાં પણ આવું જ છે.
ચીનના બેઇજિંગ, ગુઆંગઝુ, શેનઝેન અને શાંઘાઈ જેવા શહેરોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, ચીનમાં મહામારીના વધતા દબાણને જોતા લોકોને કહેવામાં આવી રહ્યું છે કે તે સિઝનલ ફ્લૂ જેવું છે અને ઓમિક્રોનનું નવું સ્વરૂપ બહુ ખતરનાક નથી. મહામારીના નિષ્ણાત ઝોંગ નાનશને તો ત્યાં સુધી કહ્યું કે,ઓમિક્રોન વાયરસ સામાન્ય શરદી સિવાય બીજું કંઈ નથી, તેથી ગભરાશો નહીં. જ્યારે શૂન્ય-કોવિડ નીતિ હળવી કરવામાં આવી છે, ત્યારે હોસ્પિટલોમાં પથારીઓ ઓછી પડવા લાગી છે અને શબઘરોમાં સ્થિતિ ગંભીર છે.
સત્તાવાર માહિતી અનુસાર ચીનમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના વાયરસના કારણે કોઈનું મોત થયું નથી.સરકારી આંકડામાં 2019 થી મૃત્યુઆંક માત્ર 5,241 છે.શાંઘાઈની ડેઝી હોસ્પિટલે બુધવારે તેના સત્તાવાર WeChat એકાઉન્ટમાં જણાવ્યું હતું કે,શહેરમાં હાલમાં 5.4 મિલિયનથી વધુ કોરોના સંક્રમિત છે, જેની સંખ્યા મહિનાના અંત સુધીમાં વધીને 12.5 મિલિયન થવાની ધારણા છે.