
અમદાવાદઃ ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ સિવિલ એવિયેશનની સ્કૂલો શરૂ થાય તે માટે રાજ્ય સરકારે ફરીથી પ્રયાસ શરૂ કર્યા છે. અગાઉની વાયબ્રન્ટ સમિટમાં આ સેકટરમાં થયેલા એમઓયુમાંથી ખસી ગયેલી કંપનીઓનો સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી છે, એ ઉપરાંત સ્કૂલ સ્થાપવા માગતી નવી કંપનીઓ કે સંસ્થાઓને પણ આમંત્રણ આપવાનું પણ કહેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં પાંચ જગ્યાએ સિવિલ એવિયેશનની તાલીમ આપતી સંસ્થાઓ શરૂ કરવાનો ગુજરાતનો ઇરાદો હતો પરંતુ કંપનીઓને પ્રોત્સાહન નહીં મળતાં તેઓ પ્રોજેકટમાંથી ખસી ગઇ હતી પરંતુ હવે તેમનો ફરીથી સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. સિવિલ એવિયેશનના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતના વિધાર્થીઓ હવાઇ ઉડ્ડયનના અભ્યાસક્રમમાં નિપુણ બની શકે તે માટે ગુજરાત સરકારને એવી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ જોઇએ છે કે જે સરકાર સાથે એમઓયુ કરી સ્કૂલ શરૂ કરી શકે.
અમદાવાદ એરપોર્ટ પાસે આવેલા ગુજસેલ કમ્પાઉન્ડમાં પણ આ પ્રકારના અભ્યાસક્રમો શરૂ કરવાનો સરકારનો ઇરાદો હતો. આ સેકટરમાં એકિઝકયુટીવ એમબીએ, એવિયેશન મેનેજમેન્ટ, બીટેક એરોસ્પેસ એન્જીનિયરીંગ, બીબીએ એવિયેશન ઓપરેશન, એમબીએ એવિયેશન મેનેજમેન્ટ, એમબીએ લોજીસ્ટિક મેનેજમેન્ટ, બીબીએ ટુરિઝમ અને બીટેક એવિયોનિકસ એન્જિનિયરીંગ જેવા અભ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એવિયેશન કોલેજ માટે અમદાવાદ એરપોર્ટ પાસે જમીન દરખાસ્તની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી. એ ઉપરાંત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પણ હવાઇ ઉડ્ડયનની તાલીમ આપતી સ્કૂલો શરૂ કરવામાં આવશે તેવું અધિકારીઓનું કહેવુ છે. તેમણે કહ્યું હતું કે અગાઉ જે એમઓયુ થયા છે તે કંપનીઓને પ્રલોભન આપીને સ્કૂલો શરૂ કરવાની સૂચના અમને મળી છે.
ગુજરાત વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં નાગરિક ઉડ્ડયન વિભાગમાં અત્યાર સુધીમાં કુલ 49 એમઓયુ સાઇન થયા હતા જે પૈકી 11 એમઓયુ રદ્દ થયા હતા. આ રદ્દ થયેલા એમઓયુ પૈકી સિવિલ એવિયેશનની સ્કૂલ સ્થાપવા માગતી કેટલીક કંપનીઓ વિવિધ કારણોસર પ્રોજેકટમાંથી ખસી ગઇ હતી. જો કે હવે સરકાર ઓછામાં ઓછી પાંચ સિવિલ એવિયેશનની સ્કૂલ શરૂ કરવા માગે છે તેથી ફરીથી સંપર્ક તેજ બનાવવાની સૂચના આપવામાં આવી છે. જો કે આ તાલીમ સ્કૂલ શરૂ કરવા માટે કેન્દ્ર સરકારના સિવિલ એવિયેશન વિભાગની મંજૂરીની આવશ્યકતા જરૂરી હોય છે.