1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈમાં રૂ. 1,745 કરોડનું કોકેઈન ઝડપાયું, આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ
મુંબઈમાં રૂ. 1,745 કરોડનું કોકેઈન ઝડપાયું, આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ

મુંબઈમાં રૂ. 1,745 કરોડનું કોકેઈન ઝડપાયું, આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ

0
Social Share

મુંબઈ, 1 મે 2026: દેશને નશા મુક્ત બનાવવાના અભિયાન હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાંની એક પાર પાડી છે. એનસીબી મુંબઈની ટીમે એક ઓપરેશન દરમિયાન આશરે 349 કિલો કોકેઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 1,745 કરોડ આંકવામાં આવી રહી છે. આ સફળતા સાથે જ એજન્સીએ એક વિશાળ આંતરરાષ્ટ્રીય ડ્રગ રિંગને તોડી પાડી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઓપરેશનની પ્રશંસા કરતા સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ભારત સરકાર નશાના કારોબારને જડમૂળથી ઉખેડી નાખવા માટે દ્રઢ સંકલ્પિત છે. તેમણે લખ્યું કે, “આ સફળતા એ ‘બોટમ-ટુ-ટોપ’ (જમીની સ્તરથી શીર્ષ સ્તર સુધીની) વ્યૂહરચનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એજન્સીએ એક નાની ખેપ પરથી તપાસ શરૂ કરી અને આખરે એક વિશાળ નેટવર્કનો ભાંડો ફોડ્યો છે.”

સૂત્રોના જણાવ્યા અનુસાર, એનસીબીને મળેલી ગુપ્ત માહિતીના આધારે મુંબઈના વિવિધ વિસ્તારોમાં વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન એજન્સીને જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્સની ખેપ આંતરરાષ્ટ્રીય માર્ગે ભારત લાવવામાં આવી હતી. એજન્સીએ અત્યંત ગુપ્તતાપૂર્વક છાપો મારીને આ અધધધ કિંમતનું કોકેઈન કબજે કર્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં ઉંડી તપાસ શરૂ કરાઈ છે.

છેલ્લા કેટલાક સમયથી ભારતીય એજન્સીઓ ડ્રગ્સ વિરુદ્ધ આક્રમક અભિગમ અપનાવી રહી છે. રૂ. 1,745 કરોડનું કોકેઈન પકડાવું એ ડ્રગ માફિયાઓ માટે મોટો ફટકો માનવામાં આવે છે. ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે નશાના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં અને એજન્સીઓ આ નેટવર્કને તોડવા માટે નિર્દયતાપૂર્વક પગલાં લેતી રહેશે.

આ પણ વાંચોઃ ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન રૂલ્સ, 2026 આજથી અમલમાં આવશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code