 
                                    ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ નલિયા રહ્યું સૌથી ઠંડુ શહેર, ઠંડીનો પારો ગગડવાની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં ધીમે-ધીમે શિયાળો જામી રહ્યો છે અને રાત્રિના સમયે કડકડતી ઠંડી પડી રહી છે. બીજી તરફ લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. દરમિયાન ગાંધીનગરમાં ઠંડીનો પારો 16 ડિગ્રી પહોંચ્યો છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વના પવનોથી ઠંડીનું જોર આગામી દિવસમાં વધશે.
રાજ્યમાં વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડી પડી રહી છે. દરમિયાન અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી તથા ગાંધીનગરનું લઘુતમ તાપમાન 16.03 ડિગ્રી નોંધાયું હતી. જ્યારે રાજ્યનું સૌથી ઠંડુ નગર નલિયા રહ્યું હતું. નલિયામાં ઠંડીનો પારો 14.5 ડિગ્રી પર પહોંચ્યો છે. તેમજ રાજકોટ 19.12 ડિગ્રી, સુરત 17.01 ડિગ્રી, ભાવનગરમાં 20.06 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે નવેમ્બર મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થતી હોય છે. 30 નવેમ્બર સુધી ઠંડી જળવાઇ રહેશે. અત્યારે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે જે વહેલી સવાર અને સાંજે અનુભવાય છે. જોકે તેમના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે. ડિસેમ્બરથી લઈ 10 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડશે.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

