ગુલમર્ગ-પહેલગામમાં શીતલહેર, લઘુત્તમ તાપમાન માઈનસમાં નોંધાયું
નવી દિલ્હી, 26 ડિસેમ્બર 202ઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર શહેરમાં લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રીથી ઉપર નોંધાયું છે, જ્યારે પહેલગામ હિલ સ્ટેશનમાં શુક્રવારે તાપમાન શૂન્યથી નીચે રહ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શ્રીનગર શહેરમાં લઘુત્તમ તાપમાન 0.2 ડિગ્રી સેલ્સિયસ, ગુલમર્ગમાં માઈનસ 4.5 અને પહેલગામમાં માઈનસ 1.6 ડિગ્રી નોંધાયું હતું.જમ્મુ વિભાગની વાત કરીએ તો, જમ્મુ શહેરમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ, કટરામાં 9.5, બટોટેમાં 6.1, બનિહાલમાં 3.8 અને ભદ્રવાહમાં 2.6 ડિગ્રી નોંધાયું છે.ગુરુવારે શ્રીનગરમાં મહત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ, ગુલમર્ગમાં 4 અને પહેલગામમાં 9 ડિગ્રી સેલ્સિયસ હતું. મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચેનો આ ઘટતો તફાવત 40 દિવસ લાંબા ‘ચિલ્લઈ કલાં’ દરમિયાન સામાન્ય ગણાય છે. આ કડકડાતી ઠંડીનો સમયગાળો 21 ડિસેમ્બરે શરૂ થયો છે અને 30 જાન્યુઆરી સુધી ચાલશે.
ભીષણ ઠંડીને કારણે કાશ્મીર ખીણમાં મોટાભાગના જળસ્ત્રોતો આંશિક અથવા સંપૂર્ણ રીતે થીજી ગયા છે, જેના કારણે નદીઓ અને સરોવરોમાં બોટ ચલાવવી મુશ્કેલ બની રહી છે. ઠંડીથી બચવા માટે લોકો ઊની કપડાંના અનેક સ્તરો પહેરી રહ્યા છે. કાશ્મીરમાં આ સિઝનનું સૌથી લોકપ્રિય વસ્ત્ર ‘ફેરન’ છે, જે પુરુષો, મહિલાઓ અને બાળકો દ્વારા પહેરવામાં આવતું એક ઊની ઓવર-ગારમેન્ટ છે.કાશ્મીરી સંસ્કૃતિનું પ્રતીક એવી ‘કાંગડી’ નો ઉપયોગ પણ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે વ્યાપકપણે થાય છે. કાંગડી એ માટીનું વાસણ છે જેમાં સળગતા કોલસા રાખવામાં આવે છે અને તેને નેતરની ટોપલીમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવે છે. લોકો તેને ફેરનની અંદર રાખીને ઠંડી સામે હૂંફ મેળવે છે.
આતંકવાદી હુમલાઓ બાદ કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગને જે નુકસાન થયું હતું, તે હવે ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. નવા વર્ષની ઉજવણી માટે ગુલમર્ગ, શ્રીનગર અને પહેલગામમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. હોટલ માલિકો અને ટ્રાવેલ ઓપરેટરોના જણાવ્યા અનુસાર બુકિંગમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષના અંતે પ્રવાસીઓની વધતી સંખ્યા જોઈને આશા જાગી છે કે વર્ષ 2026 પ્રવાસન ઉદ્યોગ પર નિર્ભર લોકો માટે વધુ સારું અને સમૃદ્ધ સાબિત થશે.
વધુ વાંચોઃ ચાઈનીઝ દોરી વેચનારા સામે રહેમ ન રાખવા સરકારને હાઈકોર્ટનું ફરમાન


