સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં યોજાયો રંગોત્સવ, ભાવિકો ભક્તિના રંગે ભીંજાયા
બોટાદઃ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધૂળેટીના પર્વે દિવ્ય રંગોત્સવ યોજાયો હતો. હોળી-ધૂળેટીના દિને દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સંતો-મહંતો અને 50 હજારથી વધુ હરિ ભક્તોએ એકસાથે દાદાના રંગે રંગાયા હતા. 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરાયા હતા. આ ઓર્ગેનિક રંગ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા હતા.
યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના મંદિરમાં ધૂળેટીના પર્વ નિમિત્તે દાદાના દર્શન માટે 50 હજારથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા. દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવ્યા હતા. રંગોની સાથે એક હજાર કિલો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી. મંદિર પરિસરમાં 70થી વધુ ફૂટ ઊંચા કલરના 250 બ્લાસ્ટ ઉપરાંત 100 ફૂટ ઊંચા 120 કંકુના બ્લાસ્ટ કરાયા હતાં. તેમજ 5000 કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાડ્યો હતો. 60 જેટલાં નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા હતા ત્યારબાદ રાસની રમઝટ બોલાવી હતી. સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઊજવાયો હતો. દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મુકવામાં આવી હતી.
સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે સંતોના સાનિધ્યમાં રંગોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે 70થી વધુ ફૂટ ઊંચા કલર અને 100 ફૂટ ઊંચા કંકુના બ્લાસ્ટ કરાયા હતા. તેમજ 5000 કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉછાળવામાં આવ્યો હતો. આ ઉપરાંત 10 પ્રકારના 25 હજાર કિલો ઓર્ગેનિક રંગ દાદાને અર્પણ કરવામાં આવ્યા હતાં.