
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં ધોરણ-12 તેમજ કોલેજોમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થઈ ગયો છે. સાથે જ ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા શરૂ થઈ છે.સવારે 10 વાગ્યાથી ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ હતી. અમદાવાદના 140 સેન્ટર પર આજથી પરીક્ષા લેવામાં આવી હતી.
અમદાવાદ શહેરના 140 સેન્ટરો પર શાંતિપૂર્ણ રીતે પરીક્ષાનો પ્રારંભ થયો હતો. પરીક્ષા શરૂ થતાં જ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી પણ નવરંગપુરામાં એ.જી. હાઈસ્કૂલ પર ઉપસ્થિત રહ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓને પ્રવેશતાની સાથે જ થર્મલ સ્ક્રિનીંગ અને હેન્ડ સેનિટાઈઝ કરાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને ફરજીયાત માસ્ક સાથે જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.વર્ગખંડમાં પણ 20 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોરોના વચ્ચે પરીક્ષા યોજાતી હોવાથી વાલીઓ પણ વિદ્યાર્થીઓની સાથે સ્કૂલે આવ્યા હતા અને સ્કૂલની બહાર પરીક્ષા પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા હતા.
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે ખૂબ લાંબા સમય બાદ આજે કોરોનાની વચ્ચે પરીક્ષા યોજાઈ રહી છે. દર વર્ષે વિદ્યાર્થીઓનું સ્વાગત ફૂલથી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાને કારણે વિદ્યાર્થીઓનું સ્વાગત થર્મલ ગન અને સેનિટાઈઝરથી કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી વર્ગખંડમાં બેસાડવામાં આવ્યા હતા. સ્કૂલોમાં તમામ તકેદારી રાખવામાં આવે તેની સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે પુરતું આયોજન કરવામાં આવ્યુ છે. જોકે કેટલાક વિદ્યાર્થીના ચહેરા પર પરીક્ષાનો ડર જોવા મળ્યો હતો.