
અમદાવાદઃ રાજયમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક શરુ કરી ત્રણ માસમાં વસ્તી ગણતરીનું કામ પૂર્ણ કરવું જોઈએ, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ થયા બાદ જ સ્થાનિક સ્વરાજની સંખ્યાઓ અને અન્ય આર્થિક સામાજીક જગ્યાએ OBC અનામતની સમીક્ષા કરી નિર્ણય કરવો જોઈએ તેવી કોંગ્રેસે માગ કરી છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે 27 ટકા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ – વિકસતી જાતિ (ઓબીસી) ના અનામતની જાહેરાત કરી હતી. તા. 8 ઓગસ્ટ 1972 ના રોજ બક્ષીપંચ કમીશનની રચના કરવામાં આવી હતી, 27 ફેબ્રુઆરી 1976ના રોજ પોતાનો રીપોર્ટ સબમીટ કર્યો હતો અને એ રીપોર્ટના આધારે સૌ પ્રથમવાર 10મી જાન્યુઆરી, 1985ના રોજ 27 ટકા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ – વિકસતી જાતિ (ઓબીસી) અનામતની જાહેરાત કરી હતી. રાજ્યની કુલ વસ્તીના 52% થી વધુ વસ્તી ધરાવતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ની 146 થી વધુ જાતિઓના લોકોના વિકાસ માટે આઝાદી પછી દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય દરજ્જો અને સમાનતાની ખાતરી ભારતના સંવિધાને આપેલ છે. જેના ભાગરૂપે ગ્રામ પંચાયત – તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં થતી ચુંટણીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકોનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેવા શુભ આશયથી વસ્તીના ધોરણે 10 ટકા અનામત જગ્યાનો લાભ આપવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકો માટે માંડલ કમિશને 27% જગ્યા અનામત રાખવાનું સૂચવેલ હોવા છતાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં 10 ટકા અનામત જગ્યા રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી, જે પુરતી ન હતી. રાજય સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (ઓબીસી)ના લોકો માટેની આ 10% અનામતની જોગવાઈમાં વધારો કરીને 27 ટકા કરવાની જયારે તાતી જરૂર હતી ત્યારે આ ગરીબ અને પછાત વર્ગના વિકાસને રુંધવા માટે જે 10 ટકા અનામત હતી તે પણ નાબૂદ કરીને આ પછાત વર્ગના લોકોને ન ભરી શકાય તેવું નુકશાન ભાજપની સરકાર દ્વારા થઇ રહ્યું છે. જે ખુબ જ દુઃખદ છે. કોંગ્રેસની માંગ છે કે, રાજયમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક શરુ કરી ત્રણ માસમાં વસ્તી ગણતરીનું કામ પૂર્ણ કરવામાં આવે. જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ થયા બાદ જ સ્થાનિક સ્વરાજની સંખ્યાઓ અને અન્ય આર્થિક સામાજીક જગ્યાએ OBC અનામતની સમીક્ષા કરી નિર્ણય કરવામાં આવે. ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો – વિકસિત જાતિ(ઓબીસી)ના લોકોની વસ્તી 52 ટકા છે, આથી આ વર્ગ માટે સંવિધાનની જોગવાઈ તથા પ્રવર્તમાન નિયમો મુજબ પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં અમલી નીતિ મુજબ ગુજરાતમાં પણ ગ્રામ પંચાયત સહીત તમામ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં 27 ટકા સીટો અનામત રાખવામાં આવશે તેવી નીતિ વિષયક જાહેરાત કરવામાં આવે તેવી માગ છે.
તેમણે ઉમેર્યું હતુ કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકોની વસ્તી ગુજરાતમાં 52 ટકાથી વધુ હોવા છતાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ પછાત વર્ગના લાભાર્થીઓ માટે લાભ કરતા યોજનાઓમાં પુરતું બજેટ ફાળવવામાં આવતું નથી, રાજ્યની 52 ટકા વસ્તીને છેલ્લા 20 વર્ષથી બજેટમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ પર 1 ટકા રકમ પણ ફાળવવામાં આવતી નથી. અને ઘણા કિસ્સામાં રાજ્ય સરકારની ઉદાસીનતાના કારણે ફાળવેલ ગ્રાન્ટનો પુરતો ઉપયોગ પણ થતો નથી. જેના કારણે આ પછાત વર્ગના લોકોના વિકાસ માટેની યોજનાઓનો યોગ્ય લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોચતો નથી, આથી રાજ્યના બજેટમાં આ પછાત વર્ગના વિકાસ માટે તેમની વસ્તીને ધ્યાને લઈ, તેમની ગરીબાઈને ધ્યાને લઈ, તથા તેમની જરૂરીયાતને ધ્યાને લઈ તેમનો યોગ્ય વિકાસ થાય તે મુજબ વસ્તીના ધોરણે બજેટમાં જોગવાઈ કરવામાં આવે તે જરૂરી છે. ભાજપ હંમેશા ચૂંટણી આવે ત્યારે મોટા ભાગની જાહેરાતો કરે છે પરંતુ ચૂંટણી પતી ગયા પછી તેનો અમલ કરતા નથી. ઓ.બી.સી. સમાજને આટલો હળહળ તો અન્યાય થાય, 27 વર્ષથી અન્યાય થાય છે અને હજુય એ અન્યાયને આગળ વધવાની શક્યતા દર્શાવાઈ રહી હોય ત્યારે સરકારે ઉપરોક્ત ઓ.બી.સી. સમાજની ન્યાયીક હિતની વાતને સમર્થન કરવું જોઈએ.