
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે રવિવારે કેજરીવાલ અને પંજાબ સીએમ ભગવંત માન અમદાવાદ મુલાકાતે આવ્યા છે. ભગવંત માને કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ તો 90 વર્ષના વદ્ધ જેવી પાર્ટી બની ગઈ છે. જ્યારે ભાજપને અંગ્રેજો સાથે સરખાવીને લૂંટ પાર્ટી કહી હતી.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, ભાજપ તમારો કોન્ટ્રાક્ટ ખતમ નથી કરતી, તમે ભાજપનો કોન્ટ્રાક્ટ ખતમ કરો. નેતાઓ પક્ષ બદલી શકે છે, તો મતદાર કેમ નહી, તમે પણ આ વખતે મત બદલો અને ઝાડુ ઉપાડો. મંત્રી બનતા જ અંગ્રેજોના શપથ લેવડાવવામાં આવે છે, મેં કહ્યું તેને બદલી નાખો. અંગ્રેજોને આજે શરમ આવતી હશે કે તેમણે 200 વર્ષમાં જેટલું ના લૂંટી શક્યા તેમના કરતા વધુ આજના નેતાઓ બે વર્ષમાં લૂંટી રહ્યા છે.
ભગવંત માને ગુજરાત પોલીસની નોકરી અંગે વધુમાં જણાવ્યું હતું કે, મે અહી જોયું કે કેટલાક પોલીસ જવાન વર્દીમાં છે અને કેટલાક સિવિલ ડ્રેસમાં છે. મને જાણવા મળ્યું કે, વર્દીવાળા પોલીસ કાચી નોકરી વાળા છે. સિવિલ ડ્રેસવાળા પાક્કી નોકરી વાળા છે.
તેમણે ઉમેર્યું કે, 15 ઓગસ્ટના ભાષણમાં કોઈ ફેરફાર નથી, હવે લાલ કિલ્લાનું ભાષણ બદલો, લાલ કિલ્લાના કબૂતરોને એ ભાષણ યાદ જ હશે. લોકોના પૈસા લોકો પર નાખવાને મફત રેવાડી કેમ કહેવાય? પીએમ મોદી મને કહો કે દરેક વ્યક્તિના ખાતામાં 15 લાખ ક્યાં ગયા? જે બચ્યું હતું તે પણ નોટબંધી દ્વારા છીનવી લેવામાં આવ્યું હતું. આજે દેશની સરકારી મિલકતો વેચાઈ ગઈ છે, દેશની સૌથી ઝડપતી વિકસતી પાર્ટી આપ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમિત શાહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી દિલ્હીમાં જ્યાં રહે છે, તે વિસ્તારના ધારાસભ્ય અરવિંદ કેજરીવાલ છે. તેમના ધરે કામ કરતા તમામ લોકો કેજરીવાલને મત આપે છે. કેમ કે જેમના ઘરે કામ કરે તે તેમને સારી રીતે ઓળખે છે. ગુજરાતમાં ઝાડુથી કીચડ સાફ કરો. ભાજપ પણ રાજ્યમાં એક એક ધારાસભ્ય શોધતા રહેશે. કોંગ્રેસની વાત કરવી પણ હવે નકામી છે. દેશની રાજધાની દિલ્હીમાં બે ટર્મથી એકપણ ધારાસભ્ય નથી. કોંગ્રેસમાં કોઈ પ્રધાન બનવા પણ તૈયાર નથી. કોંગ્રેસની હાલત 90 વર્ષના વૃદ્ધ જેવી છે. કોંગ્રેસ ધારાસભ્ય વેચી વેચીને ગુજરાન ચલાવે છે, કોંગ્રેસની જેમ ભાજપ પણ ધારાસભ્ય શોધતી થઈ જશે.
અરવિંદ કેજરીવાલ નિકોલ મેવાડા પાર્ટી પ્લોટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોન્ટ્રાક્ટ, આઉટસોર્સીગ અને રોજમદાર કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. કેજરીવાલે અહીં નિવેદન આપતા જણાવ્યું હતું કે, તમારી હિંમતને સલામ કે તમે નોકરી દાવ પર મુકી સભામાં આવ્યા છો. તમારા માથે પાંચ લાખ કોન્ટ્રાક્ટ કર્મચારીની જવાબદારી છે. તમામના અને તેમના પરિવારના વોટ આપને મળવા જોઇએ. દેશમાં આપની સરકારને બાદ કરતાં તમામ સરકાર સરકારી નોકરી ખતમ કરી રહી છે. પરંતુ અમારી સરકાર આવી તો સમાન કામ સમાન વેતન લાગુ પાડવામાં આવશે. આઉટસોર્સીગ પ્રથા બંધ કરી પગાર સીધો કર્મચારીના ખાતામાં જમા થશે. આપની સરકારની બનતાં ગુજરાતના કોન્ટ્રાક્ટ પ્રથા રોજમદાર કર્મચારીને કાયમી કરાશે. સરકારી નોકરીની ભરતીમાં ભલામણ કે રૂપિયા નહી ચાલે. માત્ર મેરીટીના આધારે નોકરી અપાશે.