
- જમ્મુ કાશ્મીરમાં કંઈક નવું થવાની સંભાવના
- ગુલામ નબી આઝાદ પર નેતાઓની નજર
- કોંગ્રેસમાં પણ ચિંતાના વાદળા બન્યા
દિલ્હી:છેલ્લા કેટલાક સમયથી ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરને લઈને સતત મીડિયામાં આવી રહ્યા છે. તેમના નિવેદનો કોંગ્રેસ તથા ભાજપના નેતાઓની ચિંતામાં વધારો કરી રહ્યા છે, ત્યારે સૂત્રોના આધારે મળતી જાણકારી અનુસાર જમ્મુ કાશ્મીરના રાજકારણમાં મોટો ફેરફાર થઈ શકે છે, અને કોંગ્રેસ પાર્ટીને નુક્સાન થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે તેવું નિવેદન કરીને ગુલામ નબી આઝાદે કોંગ્રેસને વધુ એક આંચકો આપ્યો છે.
કેટલાક દાયકાઓ સુધી સંસદમાં સતત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરનાર પીઢ નેતા ગુલામ નબી આઝાદ આજકાલ પાર્ટીનાં નેતૃત્વ સામે બળવો કરવાનાં મૂડમાં હોય તેવા પગલાં લઈ રહ્યા છે. તેમણે રાજ્યમાં મહત્વનાં સ્થળોએ રેલીઓ યોજવાનો એક્શન પ્લાન ઘડયો છે આને કારણે કોંગ્રેસ મોવડીમંડળ ચિંતામાં મુકાઈ ગયું છે.
આઝાદે રાજ્યમાં મહત્વનાં સ્થળોએ રેલી યોજીને કોંગ્રેસને સીધો પડકાર ફેંક્યો છે. પહેલો રાઉન્ડ તેમણે 16 નવેમ્બરે જમ્મુનાં બનિહાલમાં યોજ્યો હતો. આ પછી 4 ડિસેમ્બરે રામબનમાં પણ રેલી યોજી હતી. જમ્મુ કાશ્મીરનાં મતદારો પર તેમની મજબૂત પકડ છે. તેમનાં 20 ટેકેદારોએ હમણા પાર્ટીમાંથી રાજીનામાં આપતા આઝાદ હવે શું કરશે તેની પર સૌની નજર મંડાઈ છે. જમ્મુ કાશ્મીરનાં ઉપ રાજ્યપાલ મનોજ સિંહાની વહીવટી કુશળતાનાં તેમણે હમણા વખાણ કર્યા હતા. આમ કરીને તેમણે કોંગ્રેસનાં નેતૃત્વ સામે સીધો પડકાર ફેંક્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગુલાબ નબી આઝાદ ભાજપ તથા ભાજપના નેતાઓ પર નિવેદન આપવાનું ટાળી રહ્યા છે, છેલ્લા કેટલાક સમયથી આઝાદ મોદી, શાહ તેમજ સિંહા સામે સીધા પ્રહારો કરવાનું ટાળી રહ્યા છે. તેમનાં એક પણ પગલાં એવો નિર્દેશ નથી કરતા કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આને કારણે કોંગ્રેસની ચિંતા વધી છે.
તેઓ કોંગ્રેસના સિનિયર નેતાઓમાંના એક નેતા છે અને સતત સંગઠન અને કામગીરી સુધારવા તેમજ પક્ષમાં કાયમી પ્રમુખ નિયુક્ત કરવાની સલાહ આપી રહ્યા છે તેમની આવી કામગીરીનો મતલબ શું સમજવો તે પ્રશ્ન કોંગ્રેસને મુંઝવી રહ્યો છે.