કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂને પીએમ મોદીને લખ્યો પત્ર, રેલ્વેમાં સુધાર કરવા જણાવ્યું
- કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂનો પીએમ મોદીને પત્ર
- રેલ્વેને લઈને ઉઠાવ્યા સવાલ
- રેલ્વેમાં સુધાર કરવા જણાવ્યું
દિલ્હીઃ- ઓડિશાના બાલાસોરમાં બે દિવસ અગાઉ જે ઘટના બની તેણે સૌ કોઈના હ્દય હચમચાવી મૂક્યા છે, આ ઘટનાને લઈને વિરોધ પક્ષ સતત બીજેપી પર નિશાન સાધી રહ્યું છે અનેક આરોપ લગાવી રહ્યું છે તો કેટલાક પક્ષના નેતાઓ એ તો રેલ્વે મંત્રી રાજીનામુ આપે તેવી માગ પણ કરી છે. ત્યારે હવે કોંગ્રેસના નેતા મલ્લિકા અર્જૂનખરગે એ પીએમ મોદીને પત્ર લખ્યો છે.
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટનાને લઈને પત્ર લખ્યો છે. પત્રમાં ટ્રેન દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા કોંગ્રેસ અધ્યક્ષે પીએમ પાસે રેલવેમાં સુધારાની માંગ કરી છે.
પત્રમાં લખ્યું છે કે મને અફસોસ છે કે રેલવેને પાયાના સ્તરે મજબૂત કરવાને બદલે સમાચારોમાં રહેવા માટે સુપર ફિસિયલ ટચ અપ આપવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે રેલવેને વધુ અસરકારક, વધુ આધુનિક અને વધુ કાર્યક્ષમ બનાવવાને બદલે તેની સાથે સાવકી મા જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે સતત ખોટા નિર્ણય લેવાના કારણે રેલ યાત્રા અસુરક્ષિત બની છે અને આપણા લોકોની મુશ્કેલીઓ વધી રહી છે.
કોંગ્રેસ નેતાએ લખેલા પત્રમાં આ સવાલો પૂછ્યા
તેમણે કહ્યું કે આ વર્ષે 8 ફેબ્રુઆરીએ દક્ષિણ પશ્ચિમ ઝોનલ રેલ્વેના પ્રિન્સિપલ ચીફ ઓપરેશન મેનેજરે મૈસૂરમાં બે ટ્રેનની ટક્કર અને ભવિષ્યમાં સંભવિત અકસ્માતો અંગે સિગ્નલિંગ સિસ્ટમ રિપેર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચેતવણી પણ આપી હતી, પરંતુ શા માટે? રેલ્વે મંત્રાલય આ મહત્વપૂર્ણ ચેતવણીને કેમ અવગણે છે?
પીએમ પર સવાલ ઉઠાવતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે હાલમાં ભારતીય રેલ્વેમાં લગભગ 3 લાખ પદો ખાલી છે. એકલા ઈસ્ટ કોસ્ટ રેલ્વેમાં જ્યાં આ દુ:ખદ દુર્ઘટના બની હતી ત્યાં લગભગ 8278 જગ્યાઓ ખાલી છે.ખડગેએ જણાવ્યું હતું કે વરિષ્ઠ હોદ્દાઓ સાથે પણ આવું જ છે, જ્યાં પીએમઓ અને કેબિનેટ સમિતિ બંને નિમણૂકોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નેવુંના દાયકામાં 18 લાખથી વધુ રેલ્વે કર્મચારીઓ હતા, જે ઘટીને હવે લગભગ 12 લાખ થઈ ગયા છે, જેમાંથી 3.18 લાખ કોન્ટ્રાક્ટ પર કાર્યરત છે.
વધુમાં સવાલ કર્યો કે રેલ્વે બોર્ડે તાજેતરમાં જ સ્વીકાર્યું છે કે મેનપાવરની તંગીને કારણે લોકો પાઈલટોને ફરજિયાત કલાકો કરતાં વધુ સમય કામ કરવાની ફરજ પડી છે. લોકો પાઇલોટ સલામતી માટે મહત્વપૂર્ણ છે, પરંતુ તેમના કામનો વધુ પડતો બોજ અકસ્માતોનું મુખ્ય કારણ સાબિત થઈ રહ્યો છે. શા માટે તેમની જગ્યાઓ હજુ સુધી ભરવામાં નથી આવી ?