
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે સ્ટેડિયમમાં પ્રેક્ષકોના પ્રવેશને લઈ વિચારણા
દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાને એની જ ધરતી ઉપર ટેસ્ટ સિરિઝમાં 2-1થી પરાજય આપનારી ભારતીય ક્રિકેટ ટીમ હવે ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ અને ટી-20 મેચ રમશે. ઇંગ્લેન્ડના ભારત પ્રવાસને લઈને બીબીસીઆઈ તૈયારીઓ કરી રહી છે. તેમજ ચાર ટેસ્ટની શ્રેણીમાં સ્ટેડિયમમાં અડધા જ પ્રેક્ષકોને આવવા દેવાની વિચારણા ચાલી રહી છે. કોરોનાની માર્ગદર્શિકાઓના પગલે બીસીસીઆઇ આ ફોર્મ્યુલાને અનુસરી શકે છે.
ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાર ટેસ્ટની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ ચેન્નઈમાં અને છેલ્લી બંને ટેસ્ટ અમદાવાદમાં મોટેરા ખાતે રમાશે. આ સિવાય પાંચ ટી-૨૦ પણ અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઇ આ મુદ્દે બંને રાજ્યોના ક્રિકેટ એસોસિયેશનો સાથે અને આરોગ્ય સત્તાવાળાઓ સાથે ચર્ચા કરી રહ્યું છે. ઇંગ્લેન્ડ દ્વારા પહેલી બે ટેસ્ટ માટે જ તેની ટીમ જાહેર કરવાનું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં એક લાખ પ્રેક્ષકો બેસી શકે તેવી ક્ષમતા છે. જેથી કોરોના મહામારી અને લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને ટેસ્ટ મેચની સિરિઝમાં 50 ટકા પ્રેક્ષકોને બેસવાની મંજૂરી આપવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.