નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં મહત્વની રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મતદાર યાદીમાં કોઈ વ્યક્તિનું નામ સામેલ કરતા પહેલા તેની ભારતીય નાગરિકતાની તપાસ કરવી એ પંચનો અધિકાર પણ છે અને બંધારણીય ફરજ પણ છે. પંચે ભારપૂર્વક કહ્યું કે આ પ્રક્રિયાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ વિદેશી નાગરિક ભારતમાં મતદાન ન કરી શકે. SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાની માન્યતાને લઈને દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી ચાલી રહી છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચ સમક્ષ પંચ વતી વરિષ્ઠ એડવોકેટ રાકેશ દ્વિવેદીએ દલીલ કરી હતી. તેમણે અરજદારોના એ દાવાને ફગાવી દીધો હતો કે નાગરિકતા નક્કી કરવી એ ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવતું નથી. અરજદારોએ એવી દલીલ કરી હતી કે મતદાર યાદી માટે માત્ર આધાર વિગતો જ પૂરતી હોવી જોઈએ. જોકે, પંચે બંધારણ સભાની ચર્ચાઓનો હવાલો આપીને કહ્યું કે, બંધારણ નિર્માતાઓનો ઈરાદો સ્પષ્ટ હતો કે માત્ર ભારતીય નાગરિકો જ મતદાર તરીકે નોંધાય તે જોવાની જવાબદારી સક્ષમ અધિકારીની રહેશે.
ચૂંટણી પંચે જણાવ્યું કે, “અમારું બંધારણ નાગરિક-કેન્દ્રીત છે. કલમ 324 અને 326 હેઠળ પંચને ચૂંટણીઓ પર દેખરેખ, નિર્દેશન અને નિયંત્રણની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. આ સત્તામાં મતદારોની નાગરિકતાની સ્થિતિની ચકાસણી કરવાનો પણ સમાવેશ થાય છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ માટે સમય-સમય પર મતદાર યાદીનું સઘન સંશોધન અનિવાર્ય છે.”
- મતદાર યાદીમાંથી નામ કપાતા નાગરિકતા છીનવાઈ જતી નથી
પંચે કોર્ટમાં એક મોટી સ્પષ્ટતા કરતા કહ્યું કે, SIR પ્રક્રિયા હેઠળ જો કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં નોંધવા માટે અયોગ્ય ઠરે અથવા યાદીમાંથી બહાર કરવામાં આવે, તો તેનો અર્થ એ નથી કે તેની ભારતની નાગરિકતા ખતમ થઈ ગઈ છે. કોઈ વ્યક્તિને ‘વિદેશી’ જાહેર કરવાની અથવા નાગરિકતા રદ કરવાની સત્તા માત્ર કેન્દ્ર સરકાર પાસે છે. ચૂંટણી પંચ માત્ર મતદાર તરીકેની લાયકાત તપાસે છે. દરેક નાગરિકે જરૂરી દસ્તાવેજો દ્વારા પોતાની નાગરિકતા સાબિત કરવી પડશે.
ચૂંટણી પંચના વકીલે કહ્યું કે, મતદાર યાદીના રિવિઝન દરમિયાન મૃત્યુ પામેલા, સ્થળાંતર કરી ગયેલા અથવા નવા પાત્ર મતદારોની વિગતો તપાસવામાં આવે છે. આ પ્રક્રિયાનો હેતુ એ છે કે યાદીમાં એક પણ વિદેશી નાગરિકનું નામ ન રહી જાય. આ મામલે ગુરુવારે પણ સુપ્રીમ કોર્ટમાં વધુ દલીલો અને સુનાવણી ચાલુ રહેશે.
આ પણ વાંચોઃપાલઘરઃ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થિનીને પરાણે નમાઝ પઢાવતા વિવાદ


