 
                                    ભારતમાં સતત ઘટી રહ્યાં છે કોરોનાના કેસ, 3.32 લાખ એક્ટિવ કેસ
દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ હવે ધીરે-ધીરે ઓછુ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનો હિસ્સો ઘટીને 3.34 ટકા થઈ ગયો છે. તેમજ છેલ્લા 17 દિવસમાં દરરોજ 40 હજારથી ઓછા પોઝિટિવ કેસ નોંધાય છે. જેની સામે મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈ રહ્યાં છે. દેશના હાલ 3.32 લાખ એક્ટિવ દર્દી હોવાનું જાણવા મળે છે.
ભારતમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 26,382 કેસ નોંધાયાં હતા. જ્યારે તેનાથી વધારે 33813 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. છેલ્લાં 7 દિવસમાં ભારતમાં પ્રત્યેક દસ લાખની વસતીએ નવા કેસ 147 જેટલા છે જે વિશ્વ સ્તરની સરખામણીએ સૌથી નીચામાંના એક છે. ભારતમાં અત્યાર સુધીમાં 94.5 લાખ દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં છે. આમ ભારતનો રિકવરી રેટ વધીને 95.21 ટકા થયો છે. 24 કલાકમાં કેરળમાં 5066, મહારાષ્ટ્રમાં 4395 અને પશ્ચિમ બંગાળમાં 2965 દર્દીઓ સાજા થયાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસની રસીની ટ્રાયલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. તેમજ આગામી દિવસોમાં રસી પણ ઉપલબ્ધ થવાની શકયતા છે. બીજી તરફ કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા કોરોનાની રસીને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

