
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. આ વખતે ધારાસભ્યો અને મંત્રીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે સરકારે કોરોનાને કાબુમાં લેવા માટે વધુ આકરા નિયંત્રણો લાદવા માટે મન બનાવી લીધુ છે. આજે રાત્રિ કર્ફ્યુ સહિત કોરોનાની નવી ગાઈડ લાઈન આવી શકે છે. બીજી તરફ, મંદિરો પણ બંધ થવા લાગ્યા છે. ગઈકાલે 15મીથી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં કોરોનાના વધતા જતાં કેસને લઈને સરકાર ચિંતિત બની છે. અને નિષ્ણાત તબીબોનો પણ અભિપ્રાય મેળવી રહી છે. તબીબોનો મત પણ એવો છે, કે કોરોનાના વધતા જતાં સંક્રમણને અટવવા માટે એક માત્ર ઉપાય છે, કે વધુ કડક નિયંત્રણો લાદવા જોઈએ. સરકારે ગત તા. 7મી જાન્યુઆરીએ નાઇટ કર્ફ્યૂ સહિતની ગાઇડલાઇન્સ જાહેર કરી હતી, જેની 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ રહી છે. આથી 14મીએ નવાં નિયંત્રણો જાહેર થવાની શક્યતા છે.
નવી ગાઇડલાઇન્સમાં નાઇટ કર્ફ્યૂ 10 વાગ્યાને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે એવી શક્યતા છે. હાલ 10 શહેરમાં નાઇટ કર્ફ્યૂ અમલી છે, પરંતુ નવી ગાઇડલાઇન્સમાં જે શહેરોમાં સંક્રમણ વધી રહ્યું હોય એવાં શહેરોનો પણ ઉમેરો થઈ શકે છે. બીજી લહેરમાં 2000 કેસ આવવા લાગતાં જ 4 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદી દીધો હતો, જ્યારે ત્રીજી લહેરમાં હવે 10 હજાર જેટલા કેસ આવી રહ્યા હોવાથી નાઇટ કર્ફ્યૂ રાત્રે 9થી સવારના 6 વાગ્યાનો થવાની શક્યતા છે.
આ ઉપરાંત કોરોના સાથેની કામગીરીમાં સંકળાયેલા તમામ સરકારી કર્મચારીઓ માટે 15 જાન્યુઆરીએ એટલે કે શનિવારે રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 11176 નવા કેસ નોંધાયા હતા અને 4285 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3673 કેસ નોંધાયા હતા. સુરતમાં 2690, રાજકોટમાં 440, વલસાડમાં 337 ગાંધીનગરમાં 319 કેસ નોઁધાયા હતા. અગાઉ 10 મેએ 11592 કેસ હતા. તો રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 50 હજારને પાર થયો છે. અમદાવાદ શહેર, સુરત શહેર તથા વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં 1-1 મળી કુલ 5 લોકોના મોત થયા હતા. છેલ્લે 19 જૂને 5 લોકોના મોત નોંધાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે લગ્ન સમારોહમાં 150 વ્યક્તિઓને મંજુરી આપી છે. અને 22મી જાન્યુઆરીએ સમિક્ષા કરવાનું નક્કી કર્યુ હતું પણ કોરોનાના વધતા જતાં કેસ ને લઈને વહેલી સમિક્ષા કરવામં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત બજારોમાં થતી ભીડનો રોકવા માટે પણ એકવારે કેટલીક દુકાનો અને બીજાવારે કેટલીક દુકાનો ખૂલ્લી રાખવાનો સરકાર નિયમ બનાવે તેવી શક્યતા છે.
(PHOTO-FILE)