
- સાઉથ ગોવામાં કોરોના કર્ફ્યુ લંબાવાયો
- 9 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો કર્ફ્યું
- સિનેમા હોલ, કેસિનો સહીત અનેક મથકો બંધ
મુંબઈ :દેશમાં કોરોના સંક્રમણની ઝડપ ફરી એકવાર વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી રિકવરી રેટની સરખામણીમાં કોરોનાના નવા કેસોની સંખ્યા વધી રહી છે. ભારતમાં સતત પાંચમા દિવસે 40 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ -19 ના 41,831 નવા કેસ નોંધાયા છે જ્યારે 541 કોરોના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કોવિડ -19 ના ખતરાને જોતા ગોવા સરકારે દક્ષિણ ગોવામાં કોરોના કર્ફ્યુ 9 ઓગસ્ટ સુધી લંબાવી દીધો છે. રાજ્યમાં કર્ફ્યુની સમયમર્યાદા 2 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાની હતી. વહીવટીતંત્રે સાઉથ ગોવામાં તેને આગળ ધપાવવાના આદેશો જારી કર્યા છે.આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં તમામ કોરોનાવાયરસ સંબંધિત પ્રતિબંધો જારી રહેશે અને કોઇ નવી છૂટ આપવામાં આવી નથી.જિલ્લા વહીવટીતંત્રે સિનેમા હોલ, કેસિનો, ક્રુઝ, સ્પા, અને સાપ્તાહિક બજાર સહિત અનેક મથકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ માટે શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ પણ બંધ રહેશે. જો કે, સરકારની મંજૂરી સાથે પરીક્ષાઓને મંજૂરી આપવામાં આવશે.ગોવામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 59 નવા કેસ નોંધાયા છે. 105 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા અને એકનું મૃત્યુ થયું છે. રાજ્યમાં 1,011 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ 97.57 ટકા છે. ગયા વર્ષે મહામારી શરૂ થઇ ત્યારથી, ગોવામાં કુલ 1,67,046 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જ્યારે કુલ કેસ 1,71,205 નોંધાયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41,831 નવા કેસ નોંધાયા છે જ્યારે 39,258 કોવિડ દર્દીઓ સાજા થયા છે. આ દરમિયાન, નવા કોરોના કેસોની સંખ્યા કોવિડ દર્દીઓના પુન:પ્રાપ્તિ દર કરતા વધારે છે. ભારતમાં કોરોના દર્દીઓની સાજા થવાનો રાષ્ટ્રીય દર હવે 97.36 ટકા છે. દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોએ ફરી એક વખત ડરાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા ઘણા દિવસોથી દક્ષિણના રાજ્ય કેરળમાંથી દરરોજ 20 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ કેસ વધી રહ્યા છે.