
કોરોના મહામારી, પોલો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બે દિવસ રહેશે બંધ
અમદાવાદઃ બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવ્યા બાદ દુનિયાના અનેક દેશોમાં પણ કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવ્યું છે. જેથી ભયનો માહોલ ઉભો થયો છે. બીજી તરફ ડિસેમ્બરના અંતિમ સપ્તાહની ઉજવણી ઉપર પણ અનેક જગ્યાઓ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ગુજરાતમાં સુપ્રસિદ્ધ પોલો ફોરેસ્ટને બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં આવેલા વિજયનગર પાસેના પોલો ફોરેસ્ટમાં લોકો રજાના દિવસોમાં ફરવા આવતા હોય છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ફેલાવવાની શકયતા છે. દરમિયાન પોલો ફોરેસ્ટમાં શનિવાર-રવિવાર તથા તા. 30 અને 31મી ડિસેમ્બરના રોજ પ્રવાસીઓ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જીલ્લા કલેકટર દ્વારા ફરી એકવાર અભાપુર ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમ થી વિજયનગર તરફ જતાં પ્રથમ ત્રણ રસ્તા સુધીના વિસ્તારમાં પ્રવાસીઓના પ્રવેશ પરપ્રતિબંધ લાદતો હુકમ જાહેર કરી દેવામાં આવ્યો છે.