
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું : માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં થયો વધારો
અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી બાદ ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉચક્યું છે. તેમજ પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ કન્ટેન્મેન્ટ ઝોન પણ વધારો થઈ રહ્યો છે. હાલ અમદાવાદ શહેરમાં 41 જેટલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન છે. આ ઝોનમાં મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી બાદ કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. જેથી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં ફરી કોરોના ટેસ્ટ માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત હોસ્પિટલમાં પણ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
શહેરમાં કોરોનાનું સંક્રમણ વધવાની સાથે માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ઉમેરો થયો છે. શહેરમાં વધુ 2 સ્થળ માઈક્રો કન્ટેન્મેન્ટમાં ઉમેરાયા છે. આ પહેલા 39 સ્થળ માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરાયા હતા. હવે માઈક્રો કન્ટેન્મેન્ટનો આંકડો 41 પર પહોંચ્યો છે. AMC દ્વારા માઈક્રો કન્ટેન્મેન્ટમાં સર્વે હાથ ધરાયો છે.