ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ઉપર સતત નજર રખાઈ રહી છેઃ આરોગ્ય મંત્રી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી એકવાર કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં ઓમિક્રોનના કેસ પણ સામે આવી રહ્યાં છે. જેથી સરકાર પણ સફાળી જાગી છે. કોરોના સામેની લડાઈને વધારે મજબુત બનાવવામાં આવી હોવાનો સરકારે દાવો કર્યો છે. તેમજ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે પ્રજાને અપીલ કરી છે.
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની પરિસ્થિતિ ઉપર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં જે શીખ્યા હતા તેને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલોમાં બેટની સંખ્યામાં વધારો કરાયો છે. આ ઉપરાંત ઓક્સિજનનો સ્ટોક પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. હાલ કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે દરરોજ 73 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે. બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. જેથી આ બાળકો અને તેમના પરિવારજનોની કાળજી માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આમ ઉંઘતા ના ઝડપાઈએ તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, કોરોના વેક્સિનના સર્ટીફિકેટની ખરાઈને લઈને આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાને લઈને સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ સાથે જ દેશની જનતાએ કોરોના ગાઈકલાઈનનું પાલન કરવું જોઈએ. જેથી કોરોનાને આપણે હરાવી શકીએ.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

