
કોર્પોરેશન ચૂંટણીઃ અમદાવાદના ત્રણ વોર્ડમાં ભાજપની પેનેલોની જીત
અમદાવાદઃ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે. જેમાં શરૂઆતના ટ્રેન્ડથી જ ભાજપ આગળ ચાલી રહી છે. દરમિયાન શહેરના જોધપુર, થલતેજ અને વસ્ત્રાલ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો હોવાનું જાણવા મળે છે. આમ હવે કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યાં છે. ભાજપની પેનલના વિજયને પગલે કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે.
પ્રાપ્ત માહિતી અનસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી હાલ એલ.ડી.કોલેજન અને ગુજરાત કોલેજ કેમ્પસમાં ચાલી રહી છે. જેમાં અનેક બેઠકો ઉપર ભાજપ આગળ છે. અમદાવાદમાં શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ પ્રથમ નંબરની પાર્ટી બની હતી. જ્યારે બીજા નંબર ઉપર કોંગ્રેસ ચાલી રહી છે. બહેરામપુરામાં ઓવૈસીની પાર્ટી, દાણીલીમડામાં ભાજપ અને કોંગ્રેસ 2-2 બેઠક પર આગળ છે. દરિયાપુર અને ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસ, જ્યારે જોધપુર, અસારવા, સૈજપુર બોધા, નવા વાડજ, ગોતા, બાપુનગર, ,નિકોલ, ખોખરા, નવરંગપુરા અને ગોતા વોર્ડમાં ભાજપની પેનલ આગળ છે. હાલની સ્થિતિએ ભાજપ 58 બેઠક પર અને 8 બેઠક પર કોંગ્રેસ આગળ હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના 48 વોર્ડની 192 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું. આજે ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે.