1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દાહોદ, ઝાલોદ અને ગરબાડામાં સારસ પંખીઓ મહેમાન બન્યાં
દાહોદ, ઝાલોદ અને ગરબાડામાં સારસ પંખીઓ મહેમાન બન્યાં

દાહોદ, ઝાલોદ અને ગરબાડામાં સારસ પંખીઓ મહેમાન બન્યાં

0
Social Share

અમદાવાદઃ દાહોદમાં શિશિરની ગુલાબી ઠંડીમાં પ્રકૃત્તિ પણ અદભૂત સૌદર્ય સાથે ખીલી ઉઠી છે. શીતઋતુનો આ રમ્ય માહોલ પંખીઓને મહેમાન બનવા લલચાવે છે અને અનેક પ્રવાસી પંખીઓ શિયાળુ વિઝા લઇને અહીં ધામા નાખે છે. વર્ષાઋતુના અંતે નવા નીર મળતા અહીંનો ડુંગરાળ પ્રદેશ ખીલી ઉઠે છે અને તળાવના છીછરા પાણીમાં પ્રવાસી પંખીઓ જઠરાગ્નિ ઠારવા તપ કરતા જોવા મળે છે.

શિશિરની મોસમમાં દાહોદની સુંદરતામાં પ્રેમના પ્રતિક મનાતા સારસ પંખીઓ ઉમેરો કરી રહ્યાં છે અને પક્ષીપ્રેમીઓ માટે સારસ બેલડીના મનોરમ્ય દશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. શિયાળામાં અનેક  પ્રવાસી પંખીઓ દાહોદનાં મહેમાન બનતા હોય છે. જયારે સારસ પંખીઓ અહીંના જ વતની છે અને જિલ્લામાં વનવિભાગ દ્વારા ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં સારસ પક્ષીઓની વસ્તી ગણતરી આરંભાઇ હતી.

બારીયા વનવિભાગના નાયબ વન સંરક્ષક (આઇએફએસ) આર.એમ. પરમાર જણાવે છે કે, સારસ પંખીઓની દાહોદ, ઝાલોદ અને ગરબાડા ખાતે સંખ્યા નોંધાયેલી છે. હાલમાં જિલ્લામાં દાહોદ નજીક હોલિઆંબા તળાવ,  ફુટેલાવ તળાવ, નાની ખરજ, બોરખેડા, પાટાડુંગરી ડેમ અને માછણનાળા ડેમ નજીકના વિસ્તારમાં જોવા મળ્યાં છે અને આજુબાજુના વિસ્તારમાં આ પક્ષીઓનો ગુંજારવ સાંભળવા મળી રહ્યો છે. ડિસેમ્બરની વસ્તી ગણતરીમાં સારસ પંખીઓની સંખ્યા 12 જેટલી હોવાનું જાણવા મળ્યું છે.

સારસની મોટાભાગની વસ્તી યુપીમાં જોવા મળે છે. બાકીની વસ્તી ગુજરાત, બિહાર, મધ્યપ્રદેશ,  રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વહેંચાયેલી છે. ભારતમાં સારસ 1700  મીટરની ઉંચાઈ સુધી જોવા મળે છે. સારસ બેલડી દામ્પત્યજીવનનું પ્રતીક માનવામાં આવે છે. એક મૃત્યુ ને ભેટે તો બીજું પક્ષી શોકમગ્ન થઇ મોત ને ભેટે છે. “મેઇડ ફોર ઈચ અધર” ની જીવનશૈલી માટે જાણીતું પક્ષી છે.  સારસ- ક્રેન એ વિશ્વનું સૌથી ઊંચું ઉડતું પક્ષી છે આખા ભારત દેશમાં જોવા મળતું બીજા પક્ષીઓ કરતા સૌથી મોટું પક્ષી છે.  નર પક્ષીની ઉંચાઈ 160 સેમી જેટલી હોય છે. માદા ની ઉંચાઈ નરથી સહેજ થોડી ઓછી હોય છે, તે એક જ જીવનસાથી સાથે જીવન માટે સંવનન કરવા માટે જાણીતું છે. સામાન્ય રીતે તે છીછરા તળાવો, ડાંગરના ખેતરમાં અને ઘાસિયા ભેજ વાળા વિસ્તાર, કૃષિ ક્ષેત્રોમાં જોવા મળે છે, જે મોટેથી અવાજ, કૂદકો અને નૃત્ય જેવી હિલચાલનો સમાવેશ થાય છે. દાહોદમાં ફુલગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે ભાગ્યે જ કોઇ પ્રકૃતિપ્રેમી અહીં ઠેર ઠેર વિખરાયેલા વન્યસૃષ્ટિના આનંદથી પોતાને વંચિત રાખી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code