
પાકિસ્તાન સાથેનો ક્રિકેટ અને ફિલ્મનો સંબંધ યોગ્ય નથીઃ વીકે સિંહ
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશીષ ધૌંચક અને ડીસીપી હુમાયું ભટ શહીદ થયાં છે. જે અંગે કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે દુઃખ વ્યક્ત કહ્યું છે. તેમજ કહ્યું કે, હવે આપણે વિચારવુ પડશે, કેમ કે જ્યાં સુધી આપણે પાકિસ્તાનને અગલ નહીં કરી એ ત્યાં સુધી તેઓ વિચારશે કે આ સામાન્ય વાત છે. તેમણે કહ્યું કે, જો આપણે તેમની ઉપર દબાણ લાવવુ હોય તો તેમને અલગ કરવા પડશે. પાકિસ્તાન સાથે ક્રિકેટ અને ફિલ્મનો સંબંધ પણ યોગ્ય નથી. પાકિસ્તાન ઉપર દબાણ લાવવુ જરુરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે ભારતીય સુરક્ષા એજન્સીઓની અથડામણ થઈ હતી. આ અથડામણમાં સેનાના કર્નલ, મેજર અને જમ્મુ-કાશ્મીર પોલીસના ઉચ્ચ અધિકારી શહીદ થયાં છે. જ્યારે બે જવાનો ગુમ હોવાનું જાણવા મળે છે. સુરક્ષા એજન્સીઓએ બે આતંકવાદીઓને ઘેરીને રાખ્યાં છે અને તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ સતત ગોળીબાર થઈ રહ્યો છે. અથડામણમાં કર્નલ મનપ્રીતસિંહ, મેજર આશીષ અને ઉચ્ચ પોલીસ અધિકારી હુમાયુ ભટ ઘાયલ થયાં હતા, બાદમાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. આ હુમલાની જવાબદારી લશ્કર ફ્રન્ટ (ટીઆરએફ)એ લીધી છે. કોકરનાગના ગદ્દલ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાવા હોવાની સુચના બાદ સેનાની 19 રાષ્ટ્રીય રાઈફલ્સએ જમ્મુ-કાશ્મીર પોલીસ તથા સીઆરપીએફએ સંયુક્ત રીતે સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા જવાનો ઉપર ગોળીબાર કર્યો હતો.