ક્રિકેટર પંતની કારને નડેલા અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, બે વીડિયો આવ્યા સામે
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર ઋષભ પંતની મોટરાકને ઉત્તરાખંડમાં ગંભીર અકસ્માત નડ્યો હતો. જેમાં પંતને ગંભીર ઈજા થતા સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. દરમિયાન પંતની કારના અકસ્માતનો વીડિયો તથા અકસ્માત બાદ કારમાં લાગેલી આગ અને ગંભીર રીતે દાઝેલા પંતનો વીડિયો સામે આવ્યો છે, જો કે, આ બંને વીડિયોની રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પુષ્ટી કરતું નથી. બીજી તરફ પોલીસે સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય ક્રિકેટર ઋષભ પંતનો શુક્રવારે સવારે રૂરકી પાસે એક ભયાનક અકસ્માત થયો હતો. નવા વર્ષ પર માતાને મળવા ઘરે જઈ રહેલા ઋષભની કાર ઉત્તરાખંડના રૂરકીની નરસન બોર્ડર નજીક હમ્મદપુર ઝાલ પાસે ટર્નિંગ પોઈન્ટ પર ટકરાઈ હતી, જેના કારણે કારમાં ભયાનક આગ લાગી હતી અને ઋષભ અકસ્માતનો ભોગ બન્યો હતો. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે.
દરમિયાન આ અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેના ફૂટેજ સામે આવ્યો છે, જેમાં ઋષભની કાર ડિવાઈડર સાથે કેવી રીતે અથડાઈ તે વીડિયોમાં જોઈ શકાય છે. એટલું જ નહીં અકસ્માત બાદનો પણ એક વીડિયો સામે આવ્યો છે જેમાં કારનો કાચ તોડીને બહાર નીકળેલો ઋષભ રોડની બાજુમાં ગંભીર રીતે દાઝી ગયેલો જોવા મળે છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે રસ્તા પરના લોકો જ ઋષભ પંતની મદદ કરતા જોવા મળે છે. શરૂઆતની ક્ષણોમાં ઋષભ પંતને કોઈ ઓળખી શક્યું ન હતું, પરંતુ પછીથી કેટલાક લોકોએ તેને ઓળખી લીધો. જો કે, આ બંને વીડિયોની રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પુષ્ટી કરતું નથી.
દરમિયાન ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓને ઇજાગ્રસ્ત ક્રિકેટર ઋષભ પંતની સારવાર માટે તમામ સંભવિત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને જો જરૂર પડે તો એર એમ્બ્યુલન્સ પ્રદાન કરવા સૂચના આપી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે સવારે લગભગ 6 વાગ્યે, ઋષભ પંતના અકસ્માતની જાણ થઈ હતી. રૂરકીની સક્ષમ હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી. તેને વધુ સારી સારવાર માટે દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

