સાંજની ચાનો સ્વાદ વધારશે ક્રિસ્પી સોયા પોપકોર્ન, બાળકોથી લઈને વડીલો સુધી સૌને પડશે મજા
સાંજના સમયે જ્યારે હળવી ભૂખ લાગે ત્યારે મોટાભાગના ઘરોમાં મમરા, ખાખરા કે બિસ્કિટ પીરસવામાં આવતા હોય છે. પરંતુ દરરોજ એક જ પ્રકારનો નાસ્તો ખાઈને પરિવારના સભ્યો કંટાળી જતા હોય છે. જો તમે ઓછી મહેનતમાં કંઈક ચટપટું અને પૌષ્ટિક બનાવવા માંગતા હોવ, તો ‘સોયા પોપકોર્ન’ શ્રેષ્ઠ વિકલ્પ છે. સોયા ચંક્સ પ્રોટીનથી ભરપૂર હોવાથી તે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.
- સામગ્રી
સોયા ચંક્સ: 1 કપ (બાફેલા)
બટાકા: 1 નંગ (બાફેલો)
ડુંગળી: 1 નંગ (ઝીણી સમારેલી)
કોર્ન ફ્લોર (મકાઈનો લોટ): 2 ચમચી
બ્રેડક્રમ્સ: 1 કપ
મસાલા: લીલા મરચાં, કોથમીર, લાલ મરચું પાવડર, ધાણાજીરું અને મીઠું (સ્વાદ મુજબ)
તેલ: તળવા માટે
- બનાવવાની રીત
સૌ પ્રથમ બાફેલા સોયા ચંક્સને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લો. હવે એક મોટા બાઉલમાં આ ક્રશ કરેલા સોયા ચંક્સ લો. તેમાં બાફેલો બટાકો મેશ કરીને ઉમેરો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં અને કોથમીર મિક્સ કરો. આ મિશ્રણમાં લાલ મરચું, ધાણાજીરું, મીઠું અને થોડો કોર્ન ફ્લોર ઉમેરો. જરૂર જણાય તો જ સામાન્ય પાણી છાંટીને બધું બરાબર મિક્સ કરી લો. હવે આ તૈયાર થયેલા મિશ્રણમાંથી નાના-નાના ગોળા (બોલ્સ) તૈયાર કરો. એક અલગ વાટકીમાં થોડો કોર્ન ફ્લોર, મીઠું અને મરચું લઈ પાણી ઉમેરી પાતળું બેટર (ઘોળ) તૈયાર કરો. તૈયાર કરેલા સોયા બોલ્સને પહેલા આ બેટરમાં ડુબાડો અને પછી બ્રેડક્રમ્સમાં રગદોળો જેથી ઉપરનું પડ એકદમ ક્રિસ્પી બને. એક પેનમાં તેલ ગરમ કરો અને આ બોલ્સને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે ગરમા ગરમ ‘સોયા પોપકોર્ન’! તેને ગ્રીન ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસો.જો તમે વધુ હેલ્ધી ઓપ્શન ઈચ્છતા હોવ, તો આ બોલ્સને તળવાને બદલે એર ફ્રાયર અથવા અપ્પમ પાત્રમાં ઓછા તેલમાં પણ બનાવી શકો છો.


