વિકસિત ભારત 2047 અને સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતા માટે ક્રિટિકલ મિનરલ્સ અનિવાર્ય: એર માર્શલ
નવી દિલ્હી. 23મી ડિસેમ્બર 2025: Developed India 2047- ભારતની સંરક્ષણ સજ્જતા અને ‘વિકસિત ભારત 2047’ ના લક્ષ્યને હાંસલ કરવા માટે ‘ક્રિટિકલ મિનરલ્સ’ (મહત્વપૂર્ણ ખનિજો) હવે રાષ્ટ્રીય સુરક્ષાના મુખ્ય વ્યૂહાત્મક સ્તંભ બની ગયા છે. ચીફ ઓફ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ, એર માર્શલ આશુતોષ દીક્ષિતે આ મહત્વપૂર્ણ તથ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે, આધુનિક સૈન્ય પ્રણાલીઓનો પાયો આ ખનિજોના પુરવઠા પર ટકેલો છે.
સેન્ટર ફોર જોઈન્ટ વોરફેર સ્ટડીઝ દ્વારા આયોજિત ‘મિનરલ ધેટ મેટર’ વિષય પરના રાઉન્ડ ટેબલ કાર્યક્રમમાં બોલતા એર માર્શલ દીક્ષિતે કહ્યું કે, જેટ એન્જિન, મિસાઈલ, પ્રિસિઝન મ્યુનિશન, રડાર, નેવિગેશન સિસ્ટમ, કોમ્યુનિકેશન સેટેલાઇટ, બેટરી અને સેમિકન્ડક્ટર જેવી અત્યાધુનિક તકનીકો સંપૂર્ણપણે ચોક્કસ ખનિજો પર નિર્ભર છે.
તેમણે ચેતવણી આપી હતી કે, હાલમાં આ ખનિજોની વૈશ્વિક સપ્લાય ચેઈન માત્ર ગણ્યાગાંઠ્યા દેશો પાસે કેન્દ્રિત છે. અનેક દેશો હવે આ ખનિજોની નિકાસ નીતિઓનો ઉપયોગ અન્ય દેશો પર ‘ભૂ-રાજકીય દબાણ’ લાવવા માટે કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ભારતની આયાત પરની નિર્ભરતા ભવિષ્યમાં સંરક્ષણ સજ્જતા માટે જોખમી સાબિત થઈ શકે છે.
એર માર્શલ દીક્ષિતે ભારપૂર્વક જણાવ્યું કે આત્મનિર્ભર સંરક્ષણ નિર્માણ અને ઓપરેશનલ રેડીનેસ (યુદ્ધ સજ્જતા) માટે સુરક્ષિત ખનિજ પુરવઠો અનિવાર્ય છે. ભારત સરકાર આ દિશામાં સક્રિય છે અને રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ ખનિજોની ઓળખ કરવામાં આવી રહી છે. ખનિજ નિષ્કર્ષણથી લઈને પ્રોસેસિંગ, મેન્યુફેક્ચરિંગ અને રિસાયક્લિંગ સુધીની આખી ‘વેલ્યુ ચેઈન’ને મજબૂત કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
- ક્રિટિકલ મિનરલ્સ પર આધારિત 30 ટેકનિકલ રિપોર્ટના સંગ્રહનું વિમોચન
આ કાર્યક્રમ દરમિયાન તેમણે ક્રિટિકલ મિનરલ્સ પર આધારિત 30 ટેકનિકલ રિપોર્ટના સંગ્રહનું વિમોચન પણ કર્યું હતું. આ રિપોર્ટ બજાર વિશ્લેષણ અને ભવિષ્યની જરૂરિયાતો પર વિગતવાર અભ્યાસ પૂરો પાડે છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં નીતિ નિર્માતાઓ, સંરક્ષણ નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના નેતાઓએ વૈશ્વિક પરિદ્રશ્ય પર ગહન ચર્ચા કરી હતી.
આ પણ વાંચોઃ વિદેશી હૂંડિયામણ ભંડાર 11 મહિનાની આયાત માટે પર્યાપ્ત, RBI


