
આણંદના ઉમરેઠમાં જુદા જુદા ત્રણ સ્થળોએ આકાશમાંથી રહસ્યમયી ગોળા પડતા લોકોમાં કૂતુહલ
આણંદઃ જિલ્લાના ઉમરેઠ અને ભાલેજ પોલીસ સ્ટેશન તાબેના ત્રણ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં અવકાશમાંથી અજાણી ભારેખમ ગોળા જેવી વસ્તુઓ પડતા લોકોમાં કૂતુહલ જોવા મળ્યુ હતુ. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ પણ સર્જાયું હતુ. આ વસ્તુઓ જોવા લોકટોળાં પણ ઉમટી પડ્યા હતા. પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી આ અવકાશી વસ્તુ અંગે તપાસ હાથ ધરી હતી. અને આ અંગેની ચકાસણી માટે સંબંધિત વિભાગ અને એજન્સીઓને જાણ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના ઉમરેઠ તેમજ ભાલેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવકાશમાંથી ભારેખમ ગોળા જેવી વસ્તુ પડતા લોકોમાં ગભરાટ ઊભો થયો હતો.. જિલ્લાના જીતપુરા, દાગજીપૂર અને ખાનકૂવા ગામે અવકાશમાંથી ભારેખણ ગોળા જેવી વસ્તુ પડી હતી. અવકાશમાંથી પૃથ્વી ઉપર પડેલા આ પદાર્થ સેટેલાઈટમાંથી છૂટા પડેલા કોઈ ઉપકરણ હોવાનું પ્રતિત થઈ રહ્યુ છે. આ અંગેની ચકાસણી માટે સંબંધિત વિભાગ અને એજન્સીઓને જાણ કરવામાં આવી છે. દરમિયાન એફએસએલના અધિકારીઓએ પણ આ ગોલા સેટેલાઈટથી છૂટા પડ્યા હોય એવું માનવું છે. ઈસરોને પણ આ અંગેની જાણ કરાવામં આવી હોવાનું કહેવાય છે. ગ્રામજનો મોટી સંખ્યામાં આકાશમાંથી પડેલા ગોળાને જોવા ઉમટી પડ્યા હતા. જોકે પોલીસે સ્થળ પર પહોંચીને લોખંડના ગોળા નજીક જતાં લોકોને અટકાવ્યા હતા.
મહત્વનું છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર ન હોઈ તંત્રએ ભારે રાહતનો શ્વાસ લીધો છે. જોકે, ઉપરાછાપરી ત્રણે સ્થળે પડેલા અવકાશી પદાર્થ ફરી પણ ક્યાંક પડે તો તેની ચિંતાએ સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.