
ચક્રવાતી તોફાન ‘મૈડુસ’ તમિલનાડુમાં મચાવશે તબાહી,ભારે વરસાદની ચેતવણી
ચેન્નાઈ:તમિલનાડુમાં ચક્રવાતી તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર એ ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બન્યું છે અને ગુરુવારે સાંજ સુધીમાં ‘મૈડુસ’ નામના ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.આ વાવાઝોડાની અસર ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે રહેશે.આગામી 48 કલાકમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.તમિલનાડુના ઉત્તરી તટીય જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે.
કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે તેની સંપૂર્ણ મશીનરી તૈયાર કરી છે. તે જ સમયે, વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવામાં આવી રહી છે. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે અને છ જિલ્લામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો તૈનાત કરવામાં આવી છે.
રાજ્ય સરકારે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરાયેલા લોકોને રહેવા માટે ચક્રવાતથી પ્રભાવિત જિલ્લાઓમાં 5,000 થી વધુ રાહત શિબિરો ખોલી છે.કેમ્પમાં રહેતા લોકોને ભોજન, પીવાનું પાણી અને આરોગ્ય સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. વરસાદની અસર પર નજર રાખવા માટે રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રૂમ પણ ખોલવામાં આવ્યો છે, જે આગામી બે દિવસ સુધી ભારે વરસાદ અને તેની અસર પર નજર રાખશે.