વાવાઝોડાનું સંકટઃ ભારે પવનને પગલે ગીરનાર પરની રોપ-વે સેવા બંધ કરાઈ
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં તેની સામાન્ય અસર જોવા મળી રહી છે. દરમિયાન ભારે પવનને કારણએ જૂનાગઢના ગીરનાર પર્વત પરની રોપ-વે સેવાને બંધ કરવામાં આવી છે. જેથી દર્શાનીઓને હાલાકી પડી હતી. પવનની ગતિ ધીમી પડતાની સાથે જ ફરીથી રોપ-વે સેવાનો પ્રારંભ કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ હવે ઝડપથી રોપ-વે સેવા શરૂ થાય તેની રાહ જોઈ રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ સતત દિશા બદલી રહ્યું છે જેથી ગુજરાતની ચિંતામાં વધારો થયો છે. સંભવિત વાવાઝોડાને પગલે દરિયાકાંઠા વિસ્તારોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક બિચ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યાં છે. વાવાઝોડાની અસર દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળી રહી છે. હાલ દરિયામાં ઉંચા મોજા ઉછડી રહ્યાં છે. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર-કચ્છમાં જોવા મળી રહી છે.
જૂનાગઢમાં સવારથી જ વાતાવરણ આકાશ વાદળછાયુ રહ્યું હતું. તેમજ ભારે પવન ફુંકાયો હતો. ભારે પવનને ધ્યાનમાં રાખીને ગીરનાર પર્વત પરની રોપ-વે સેવાને બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો. ફરી ક્યારે રોપ વે સેવા શરુ થશે, તેની કોઈ જ જાણકારી ન હોવાથી શ્રદ્ધાળુઓને રોપ વે સેવા શરુ થવાની રાહ જોવી કે નહીં તેની દુવિધામાં મુકાયા છે તો ઘણા લોકો ગિરનાર પર્વત સુધી આવીને પરત ફર્યા હતા. ગુજરાતના અનેક વિસ્તારોમાં 3 દિવસ ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદ શહેરમાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું.