
નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં પૂરની તબાહીના કારણે મૃત્યુઆંક વધીને 52 થઈ ગયો છે. બચાવકર્મીઓએ પૂરગ્રસ્ત ગામોમાં કાટમાળ નીચે લોકોને શોધવાનું ચાલુ રાખ્યું હતું. મળતી માહિતી મુજબ મૃત્યુઆંક વધી શકે છે. શનિવારે મધ્યરાત્રિ પહેલા પશ્ચિમ સુમાત્રા પ્રાંતના ચાર જિલ્લાઓમાં ભારે ચોમાસાના વરસાદ, ભૂસ્ખલન અને માઉન્ટ મેરાપીના લાવાએ વિનાશ વેર્યો હતો. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહરીએ જણાવ્યું હતું કે, પૂરમાં મોટી સંખ્યામાં લોકો વહી ગયા હતા અને ઘરો અને ઇમારતો ડૂબી ગયા હતા. 3,300 થી વધુ લોકોને અસ્થાયી સરકારી સહાય કેન્દ્રોમાં જવું પડ્યું છે.
મુહરીએ કહ્યું હતું કે, કાટમાળમાંથી 52 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બચાવકર્મીઓ ગુમ થયેલા 20 લોકોને શોધી રહ્યા છે. ઇન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપમાં ભારે પૂરના કારણે થયેલી તબાહીમાં બચાવકર્મીઓએ અત્યાર સુધી કાદવમાં ફસાયેલા 50થી વધુ લોકોના મૃતદેહને બહાર કાઢ્યા છે, આ મૃત્યુઆંક હજુ વધી શકે છે. કારણ કે રેસ્ક્યુ ટીમ હજુ પણ કેટલાક વિસ્તારોમાં પહોંચી શકી નથી. આ સંદર્ભે, પ્રાંતીય રાજધાની પડાંગમાં શોધ અને બચાવ કાર્યાલયના વડા અબ્દુલ મલિકે જણાવ્યું હતું કે, દૂરના વિસ્તારોમાં હજી પણ પહોંચ શક્ય નથી, તેથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.
ઇન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, ક્લાઇમેટોલોજી અને જીઓફિઝિક્સ એજન્સીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં વધુ વરસાદની અપેક્ષા છે. આવતા સપ્તાહ સુધી આ રીતે વરસાદ ચાલુ રહેશે, તેથી અચાનક પૂર, ભૂસ્ખલન અને ઠંડા લાવાના પ્રવાહની સંભાવના છે. આમાં પત્થરોની સાથે પાણી અને જ્વાળામુખીની રાખ પણ વહી જશે. ઇન્ડોનેશિયાના સેન્ટર ફોર વોલ્કેનોલોજી એન્ડ જીઓલોજિકલ ડિઝાસ્ટર મિટિગેશન અનુસાર, માઉન્ટ મેરાપી જ્વાળામુખી અચાનક ફાટી નીકળવા માટે જાણીતું છે. મેરાપી ખાતે વિસ્ફોટની આગાહી કરવી મુશ્કેલ છે, કારણ કે સ્ત્રોત છીછરો અને સમિટની નજીક છે.