31મી ડિસેમ્બર: અમદાવાદમાં CG રોડ અને સિંધુ ભવન રોડ પર વાહનો માટે નો-એન્ટ્રી
અમદાવાદ, 27 ડિસેમ્બર 2025 : નવા વર્ષની ઉજવણીમાં ઉમટી પડતી શહેરીજનોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ ટ્રાફિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 31મી ડિસેમ્બરની સાંજથી જ શહેરના સૌથી ધમધમતા એવા સી.જી. રોડ અને સિંધુ ભવન રોડ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
શહેરના હૃદય સમાન સી.જી. રોડ પર 31મી ડિસેમ્બર સાંજે 6:00 વાગ્યાથી 1લી જાન્યુઆરી વહેલી સવારે 3:00 વાગ્યા સુધી વાહનો લઈ જવા પર મનાઈ છે. 31મી ડિસેમ્બરના રોજ સાંજે સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો માર્ગ બંધ રહેશે. સી.જી. રોડની બંને બાજુએ પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. રાત્રે 8 વાગ્યા પછી આ માર્ગ પર કોઈ પણ વાહનને પ્રવેશવા દેવામાં આવશે નહીં. જેથી વાહનચાલકો મીઠાખળી સર્કલ, ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ રોડ અથવા નવરંગપુરા બસ સ્ટેન્ડ થઈ કોમર્સ છ રસ્તાના માર્ગનો ઉપયોગ કરી શકશે.
આ પણ વાંચોઃ 31મી ડિસેમ્બર: અમદાવાદમાં CG રોડ અને સિંધુ ભવન રોડ પર વાહનો માટે નો-એન્ટ્રી
આવી જ રીતે સિંધુ ભવન રોડ રાત્રે 8 વાગ્યાથી બંધ રહેશે. પાર્ટી પ્રેમીઓના માનીતા સિંધુ ભવન રોડ પર પણ કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. સિંધુ ભવન રોડ રાત્રે 8:00થી મોડી રાત્રે 3:00 વાગ્યા સુધી બંધ રહેશે. જાજરમાન ક્રોસ રોડથી તાજ સ્કાયલાઇન ક્રોસ રોડ સુધીનો રસ્તો બંને તરફથી બંધ રહેશે. જેથી વાહનચાલકો જાજરમાન ચાર રસ્તાથી ઉમિયા ટ્રેડર્સ થઈ તાજ સ્કાયલાઇન તરફ અને આંબલી ઓવરબ્રિજથી શિલજ સર્કલ તરફ જઈ શકશે.
પોલીસ કમિશનરના આદેશ મુજબ, સમગ્ર શહેરમાં મધ્યમ અને ભારે માલવાહક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. એસ.જી. હાઇવે પર માત્ર પરમિટ ધરાવતા પેસેન્જર વાહનોને જ મંજૂરી મળશે. અન્ય વાહનોએ એસ.પી. રિંગ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે અને નશાની હાલતમાં વાહન ચલાવવાથી બચે, અન્યથા પોલીસ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ હિમંતા બિશ્વા સરમાનો ધડાકો: આસામમાં 40 ટકા વસ્તી બાંગ્લાદેશી મુસ્લિમોની


