
ગુજરાતમાં અસહ્ય ગરમીને લીધે ટ્યુશન ક્લાસિસ બપોરે 12થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય
ગાંધીનગરઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીને લીધે જનજીવન પ્રભાવિત બન્યું છે. બપોરના ટાણે તો અમદાવાદ સહિત તમામ શહેરોમાં રોડ-રસ્તાઓ પણ સુમસામ બની જતા હોય છે. સરકારી તંત્ર દ્વારા પણ બપોરના સમયે કામ વિના બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત દ્વારા આવનારા પાંચ દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 12 થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે બપોરે 12થી 4 દરમિયાન ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે.
ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશનના પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, રાજ્યમાં સતત વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં આગામી 5 દિવસ ટ્યુશન ક્લાસિસ બંધ રહેશે. શૈક્ષણિક સંસ્થામાં બપોરે 12થી 4 બંધ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હીત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, પરંતુ અમદાવાદ સહિત મહાનગરોમાં ધોરણ 12 સાયન્સના ટ્યુશન ક્લાસિસ શરૂ થઈ ગયા છે.
ગુજરાતમાં ગરમી 45 ડિગ્રીએ પહોંચી ગઈ છે. આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સાથે કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આવી છે.હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં ભારે ગરમી પડવાની છે. મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે સરકારી કચેરીઓમાં જાહેર રજા આપવા ગુજરાત કર્મચારી મહામંડળ દ્વારા માંગણી કરી છે. આ વિશે મંડળના મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્યું કે, સતત વધતું તાપમાન કર્મચારીઓને નુકસાન કરી શકે છે. તેથી આગામી સપ્તાહમાં જાહેર રજા આપવી જોઈએ. સરકારી કચેરીઓમાં પંખા અને કુલર યોગ્ય ચાલતા નથી, પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા નથી. તેથી આ અંગે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. (File photo)