
ગુજરાતમાં પોલિટેકનિક કોલેજોમાં કાયમી અધ્યાપકો મળતાં એડહોક અધ્યાપકોને છૂટા કરવાનો નિર્ણય
અમદાવાદઃ રાજ્યની સરકારી પોલિટેકનિક કોલેજોમાં અધ્યાપકોની અનેક જગ્યાઓ ખાલી હતી. એટલે શૈક્ષણિક કાર્યને અસર ન થાય તે માટે અધ્યાપકોની એડહોક ધોરણે ભરતી કરવામાં આવી હતી, આમ તો નિયમ મુજબ સરકારી પોલિટેકનિકમાં વ્યાખ્યાતા તરીકે જીપીએસસી પાસ થયેલા ઉમેદવારોની નિયુક્તિ કરવામાં આવતી હોય છે. જોકે, જીપીએસસી પાસ ઉમેદવારો ન મળે તેવી સ્થિતિમાં એડહોક અધ્યાપકોની નિયુક્તિ કરવામાં આવતી હોય છે. હાલમાં જીપીએસસી પાસ થયેલા ઉમેદવારો દ્વારા કોર્ટમાં કરાયેલી રિટના ચુકાદા બાદ ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા મિકેનિકલ બ્રાન્ચમાં એડહોક તરીકે ફરજ બજાવતાં 33 અને ઇલેક્ટ્રિક બ્રાન્ચમાં 38 અધ્યાપકોને છૂટા કરીને તેની જગ્યાએ જીપીએસસી પાસ ઉમેદવારોની નિયુક્તિ કરવાનો આદેશ કરાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની પોલિટેકનિક કોલેજોમાં વ્યાખ્યાતાની નિયુક્તિને લઇને છેલ્લા કેટલાય વખતથી ભારે વિવાદ ચાલી રહ્યા હતો આ મુદ્દે કોર્ટમાં અનેક કેસો પણ થઇ ચૂક્યા છે. ઇ.સી.માં જીપીએસસી પાસ થયેલા ઉમેદવારો હોવા છતાં જગ્યા ન હોવાના કારણે તેમને નિયુક્તિ આપવામાં આવતી નથી. બીજીબાજુ મિકેનિકલ બ્રાન્ચમાં જીપીએસસી પાસ થયેલા ઉમેદવારો ન મળવાના કારણે એડહોક તરીકે અધ્યાપકોની નિમણૂક કરી દેવાતી હોય છે. તાજેતરમાં હાઇકોર્ટે આપેલા ચુકાદાના આધારે હાલમાં અમદાવાદ સહિત રાજ્યની જુદી જુદી પોલિટેકનિક કોલેજોમાં એડહોક ધોરણે ફરજ બજાવતાં મિકેનિકલ બ્રાન્ચના 33 અધ્યાપકો અને ઇલેક્ટ્રિકના 38 અધ્યાપકોને છૂટા કરવા ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો છે. આ આદેશમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, 11 માસ પુરા થાય અથવા તો જાહેર સેવા આયોગ મારફતે નિયમિત ઉમેદવાર ઉપલબ્ધ થાય બેમાંથી જે વહેલું હોય તેટલા સમય માટે નિયુક્તિ આપવામાં આવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલમાં જાહેર સેવા આયોગ દ્વારા ઉમેદવારો મળી જતાં કરાર આધારિત અથવા તો એડહોક તરીકે ફરજ બજાવતાં અધ્યાપકો-સહાયક અધ્યાપકોને છૂટા કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. મિકેનિકલ વર્ગ 2 તરીકે હાલમાં જાહેર સેવા આયોગ દ્વારા 24 ઉમેદવારોની નિમણૂક આપવા માટે સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાનમાં મંજૂર જગ્યાઓ કરતાં વધારે જગ્યાઓ એપ્રૂવ કરવામાં આવી હોવાથી એડહોક અને કરાર આધારિત મિકેનિકલ વ્યાખ્યાતાઓની સેવાઓ તાત્કાલીક અસરથી સમાપ્ત કરવાના આદેશ કરવામાં આવ્યા છે.આ સાથે જ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશનના ધારાધોરણ પ્રમાણે કાર્યભારને ધ્યાનમાં લઇને વિવિધ વિદ્યાશાખાની જગ્યાઓ મંજૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાથી ડિપ્લોમા કોલેજમાં અભ્યાસક્રમો માટે હયાત વિદ્યાર્થીઓની સંખ્યા અને ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા અધ્યાપકોને મંજૂરી સહિતની વિગતો પણ મંગાવવામાં આવી છે.