દિલ્હીમાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા પોલીસનું અભિયાન
દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં આતંકવાદી હુમલાની આશંકા પગલે સાબદી બનેલી પોલીસે ગેરકાયદે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે અભિયાન રૂ કર્યું છે. દિલ્હીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ગેરકાયદે રીતે વસવાટ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું હતું. દિલ્હીમાંથી તાજેતરમાં જ વર્ષોથી બોગસ નામે રહેતા પાકિસ્તાની નાગરિક મહંમદ અશરફની ધરપકડ બાદ પોલીસ વધારે એલર્ટ બની છે.
દિલ્હી પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયના આદેશ બાદ વિદેશી ક્ષેત્રીય રજિસ્ટ્રાર કાર્યાલય (એફઆરઆરઓ)એ દિલ્હીમાં ગેરકાયદેસર રીતે અને સમય અવધિ સમાપ્ત થયા બાદ રોકાયેલા વિદેશી નાગરિકોની યાદી પોલીસને મોકલી આપી છે. જેથી ડીસીબીએ પોલીસને આવા વિદેશી નાગરિકોને શોધી કાઢવા તાકીદ કરી હતી. દક્ષિણ-પૂર્વ જિલ્લામાં કુલ 65 વિદેશીઓ સમય અવધિ સમાપ્ત થયા બાદ પણ રોકાયેલા છે. તેમાં સૌથી વધારે 51 નાગરિક અફઘાનિસ્તાન, 5 બાંગ્લાદેશ અને 4 યુગાન્ડાના છે. અફઘાનિસ્તાનના સૌથી વધારે 23 નાગરિકો હજરત નિઝામુદ્દીન અને 22 લાજપત નગરમાં ગેરકાયદે રીતે વસવાટ કરી રહ્યાં છે. જેથી આવા નાગરિકોને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાંથી તાજેતરમાં 18 વર્ષથી ગેરકાયદે વસવાટ કરતા પાકિસ્તાની નાગરિક મહંમદ આશીફને પોલીસે ઝડપી લીધો હતો. આશીફ આતંકવાદી પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. જેથી સફાળા જાગેલા પોલીસ વિભાગે આવા નાગરિકોને શોધી કાઢવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
(Photo-File)