
- દિલ્હીમાં 3થી4 આતંકીઓની ઘૂસણખોરી
- દિલ્હીમાં ઘણાં સ્થાનો પર સુરક્ષા વધારવામાં આવી
- દિલ્હીમાં 9 સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરાઈ

ભારતની રાજધાની નવી દિલ્હીમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણથી ચાર આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી છે. સુરક્ષા એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે તહેવારોના મોસમમાં આતંકવાદી મોટો હુમલો કરે તેવી શક્યતા છે. આ એલર્ટ બાદ દિલ્હીમાં સુરક્ષા વધારવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને 9 સ્થાનો પર પોલીસે દરોડાની કાર્યવાહી કરી છે. આતંકવાદીઓની તલાશમાં પોલીસ ઘણાં સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરે તેવી શક્યતા છે.
માનવામાં આવે છે કે આતંકવાદી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને હટાવવાના વિરોધમાં છે. તેવામાં આતંકવાદી દેશમાં કોઈ મોટા હુમલાને અંજામ આપી શકે છે. દિલ્હીમાં આતંકવાદી ઘૂસવાના ઈનપુટ બાદ દિલ્હીમાં સુરક્ષા વધારવામાં આવી છે.
આના પહેલા અમેરિકા પણ ભારતને આતંકવાદી હુમલાને લઈને એલર્ટ કરી ચુક્યું છે. અમેરિકાએ પણ ચેતવણી આપી છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી સંગઠન ભારતમાં હુમલો કરે તેવી શક્યતા છે. અમેરિકાનું કહેવું છે કે કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાન તરફથી ભારતમાં આતંકવાદી હુમલા કરાવી શકાય છે.
અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના આસિસ્ટન્ટ સેક્રેટરી રેન્ડલ શિલ્વરને કહ્યુ છે કે ઘણાં લોકોના મનમાં ચિંતા છે કે જમ્મુ-કાશ્મીરના મામલા પર પાકિસ્તાન ક્રોસ બોર્ડર આતંકવાદમાં વધારો કરે તેવી શક્યતા છે. મને લાગતું નથી કે ચીન તરફથી આ વાત પર પણ પાકિસ્તાનનું સમર્થન કરવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરમાંથી જ્યારથી ભારતે અનુચ્છેદ-370ને હટાવી છે, ત્યારથી પાકિસ્તાન આના પર હોબાળો મચાવી રહ્યું છે. ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રમાં પણ આના પર લાંબુ ભાષણ આપ્યું છે અને એક રીતે યુદ્ધની ધમકી આપી છે. ઈમરાન ખાન ખુદ વધુ એક પુલવામા જેવા હુમલાની વાત કરી ચુક્યા છે. જ્યારે ભારત તરફથી યુદ્ધ નહીં પણ બુદ્ધનો સંદેશ આપવામાં આવ્યો છે.