હવાના પ્રદુષણે વિશ્વના દેશોની ચિંતા વધારીઃ એશિયાના પાંચ શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ વધારે
દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. જેને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. તેમજ પ્રદુષણમાં ઘટાડો થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ નિષ્ણાતોએ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડની એક સંસ્થાએ દુનિયાની સૌથી દસ શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં પ્રથમ ક્રમે દિલ્હીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં આ યાદીમાં દેશના 3 શહેરોનો સમાવેશ થાય છે. આ યાદીમાં ભારત, પાકિસ્તાન અને ચીનના કુલ પાંચ શહેરોનો સમાવેશ થાય છે. દુનિયાના ટોપ 10 શહેરોમાં એશિયાના જ પાંચ શહેરોનો સમાવેશ થાય છે.
પ્રદૂષણ માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની ચિંતાનો વિષય બની ચુક્યો છે. Cop26 જેવી પરિષદોમાં ક્લાઈમેટ ચેન્જ ગંભીર ચર્ચાઓ થઈ રહી છે. સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ક્લાઈમેટ ગ્રુપ IQAirની એર ક્વોલિટી એન્ડ પોલ્યુશન સિટી ટ્રેકિંગ સર્વિસે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં પ્રથમ ક્રમે દિલ્હીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશની આર્થિક રાજધાની મુંબઈ અને કોલકત્તાનો પણ સમાવેશ થાય છે. દિલ્હીનો AQI 556 છે. આ ઉપરાંત પાકિસ્તાનના લાહોરનો AQI 354, બેલ્ગેરિયાના સોફિયાનો AQI 178, કોલકાતાનો AQI 177, ક્રોએશિયાના ઝાગ્રેબનો AQI 173, મુંબઈનો AQI 169, સર્બિયાના બેલગ્રેડનો AQI 165, ચીનના ચેંગડુનો AQI 165, ઉત્તર મેસેડોનિયાના સ્કોપજેનો AQI 164, અને પોલેન્ડના ક્રેકોનો AQI 160 નોંધાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકાર દ્વારા પ્રદુષણમાં ઘટાડા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કેન્દ્ર સરકાર પણ દેશમાં હવાના પ્રદુષણને લઈને ચિંતિત છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

