
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે ઈ-વાહનોની માગ વધી, ટુ-વ્હીલરના વેચાણમાં 5.6 ટકાનો વધારો
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારા બાદ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધવા લાગી છે. મોંઘા ઈંધણે લોકોનું બજેટ બગાડ્યું છે. આવી સ્થિતિમાં લોકો હવે ધીમે-ધીમે ઇલેક્ટ્રિક વાહનો ઉપર પસંદગી ઉતારી રહી છે. ઈલેક્ટ્રિક વાહનો ઉપર સરકાર સબસીડી આપી રહી છે.
ઓટો ડીલર્સ બોડી ફાડા (ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન) અનુસાર, 2021-22માં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના વેચાણમાં 5.6 ગણો વધારો થયો છે. 2020-21માં કુલ 41,046 ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સનું વેચાણ થયું હતું, જે 2021-22માં વધીને 2.3 લાખ થઈ ગયું છે. જ્યારે 2019-20માં 25 હજારથી ઓછા ઇલેક્ટ્રિક ટુ વ્હીલરનું વેચાણ થયું હતું. ઇલેક્ટ્રિક કારની માંગ પણ વધી છે. 2021-22માં કુલ 17,802 પેસેન્જર વાહનો એટલે કે કાર/એસયુવીનું વેચાણ થયું હતું, જે 2020-21ની સરખામણીમાં ત્રણ ગણું વધારે છે. 2020-21માં કુલ 4984 ઇલેક્ટ્રિક કાર વેચાઈ હતી. જ્યારે 2019-20માં 2280 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું.
વર્ષ 2021-22માં ઇલેક્ટ્રિક થ્રી વ્હીલરના વેચાણમાં જબરદસ્ત વધારો થયો છે. 2020-21માં માત્ર 88,391 થ્રી વ્હીલર્સ લોન્ચ કરવામાં આવ્યા હતા, જે 2021-22 નાણાકીય વર્ષમાં વધીને 177,874 થઈ ગયા હતા. એટલે કે, 100 ટકાથી વધારે. ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનોની માંગ પણ વધી છે. જ્યાં 2020-21માં માત્ર 400 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું, તે 2021-22માં 5 ગણાથી વધુ વધીને 2203 થઈ ગયું છે. ઇંધણની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને, લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા તરફ વળ્યા છે.